Last Updated on by Sampurna Samachar
ત્રણ લૂંટારૂઓ બેંકમાં કરન્ટ ખાતું ખોલવાના બહાને પ્રવેશ્યા હતા
બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને ઘટનાને અંજામ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિજયપુરા, તા.૧૭
કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચદચન કસ્બામાં આવેલી SBI બેંકમાં ધોળા દિવસે હથિયારબંધ લૂંટારૂઓએ મોટી લૂંટ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ લૂંટારાઓ ૫૮ કિલો સોનું અને આઠ કરોડ રૂપિયા રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ લૂંટારૂઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

શાખા પ્રબંધક તારકેશ્વરની ફરિયાદ મુજબ, ત્રણ લૂંટારૂઓ બેંકમાં કરન્ટ ખાતું ખોલવાના બહાને પ્રવેશ્યા હતા. તેમની પાસે બંદૂક અને ચાકૂ હતા, જેનાથી તેઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવ્યા હતા. તેઓએ કર્મચારીઓ અને ગ્રાહકોને પ્લાસ્ટિક ટેગથી બાંધી દીધા હતા અને લોકર ખોલવા માટે મજબૂર કર્યા હતા.
બેંક મેનેજમેન્ટે સુરક્ષા વધારવાનુ આશ્વાસન આપ્યું
લૂંટારૂઓ ૪૨૫ સોનાના પેકેટોમાંથી લગભગ ૨૦ કિલોગ્રામના ૩૯૮ પેકેટ ચોરી ગયા છે. આ ઉપરાંત, તેઓએ ૧.૦૪ કરોડ રૂપિયાની રોકડ પણ લૂંટી કરી છે. પોલીસે કહ્યું કે, લૂંટારૂઓ એક વાહનમાં ભાગી ગયા છે. તેઓ મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઈ રહ્યા હતા.
બીજીતરફ લૂંટારાઓના વાહનનો સોલાપુર જિલ્લાના હુલજંતી ગામ પાસે અકસ્માત થયો હતો, જોકે તેપછી લૂંટારાઓ લૂંટેલો સામાન લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટના વિજયપુરા જિલ્લામાં થોડા મહિનામાં બીજી મોટી લૂંટ છે. આ પહેલાં, ૨૩થી ૨૫ મે વચ્ચે, મંગુલી ગામમાં કેનેરા બેંકની શાખામાંથી ૫૩.૨૬ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. તે લૂંટનો મુખ્ય સૂત્રધાર બેંકનો પૂર્વ શાખા પ્રબંધક વિજયકુમાર મિરિયાલ હતો, જેણે હોલીવુડ અને બોલીવુડની ફિલ્મોમાંથી પ્રેરણા લીધી હતી.
જિલ્લામાં વધતી લૂંટની ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભય પેદા કર્યો છે. પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિંબર્ગીએ ખાતરી આપી છે કે, કર્ણાટક અને મહારાષ્ટ્રની પોલીસે યુદ્ધના ધોરણે તપાસ કામગીરી આરંભી દીધી છે અને ગુનેગારોને જલ્દી જ પકડી પાડવામાં આવશે. આ ઘટના બાદ બેંક મેનેજમેન્ટે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવાનું આશ્વાસન આપ્યું છે.