Last Updated on by Sampurna Samachar
ઉનાળાની ઋતુમાં કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરાઇ
બે વખત પાણીનાં રીપોર્ટ કઢાવવાની સુચનાં અપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની ઋતુને અનુલક્ષીને વડોદરા પાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા એક માસથી કેરીની વખારો, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલા, નોન પેકેજડ ડ્રીંકીંગ વોટરનાં વેચાણ કરતા યુનીટોમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસર દ્વારા વિવિધ વિસ્તારોમાં ૬૩ કેરીની વખારો, ૩૭ નોન પેકેજડ ડ્રીંકીંગ વોટરનાં ઉત્પાદકો, ૪૯ કેરીના રસના તંબુ, ૬૭ શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેરીની વખારોમાં કેલ્શીયમ કાર્બાઇડ વાપરવા બાબતે ચેકીંગ કરી આશરે ૫૭૦ કિલો બગડેલા તેમજ કાપેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ફુડ કલરનો સ્થળ પર નાશ કરાયો
ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ પાછળ, સીધ્ધનાથ ગેટ, વેરાઇ માતા ચોકમાં આવેલી વખારોમાં તેમજ જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કેરી તથા અન્ય ફ્રુટ વેચતા વેપારી દ્વારા કેલ્શીયમ કાર્બાઇડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે કુલ ૬૩ વખારોમાં આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરતા કેરી, મોસંબી, નારંગી, દાડમ, પપૈયુ, ચીકુ જેવા આશરે ૫૭૦ કિલો કાપેલા તેમજ બગડેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. કેલ્શીયમ કાર્બાઇડનો જથ્થો કોઇપણ સ્થળે મળ્યો નથી.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા નોન-પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં ૩૭ ઉત્પાદકોને ત્યાં આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેઓનાં પાણીનાં સ્ત્રોત તપાસી તેઓને સ્વચ્છતા જાળવવા તેમજ વર્ષમાં બે વખત પાણીનાં રીપોર્ટ કઢાવવાની સુચનાં આપવામાં આવી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા વિવિધ વિસ્તારોમા ૬૭ શેરડીના રસના કોલા તેમજ ૪૯ કેરીના રસના તંબુઓમા ચેકીંગ હાથ ધરી આશરે ૧૧૭ કિલો કાપેલા ખુલ્લા ફળો, ૬૩૭ કિલો સીન્થેટીક ફુડ કલરવાળો કેરીનો રસ, ૨૬૮ કિલો સીન્થેટીક ફુડ કલરવાળી ચાસણી, ૪૭ કિલો કાપેલા ફળો, ૩ કિલો સીન્થેટીક ફુડ કલરનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.