Last Updated on by Sampurna Samachar
હાઈવે પર સળિયા ચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું
૭૦ હજાર કિલો સળિયા સાથે ૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, આ કેસમાં રઈસ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત ગ્રામ્ય LCBએ નાના બોરસરા પાસે ટ્રેલરમાંથી સળિયા ચોરી કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ૭૦ હજાર કિલો સળિયા સાથે ૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.નેશનલ હાઈવે ૪૮ પર સક્રિય સળિયા ચોરીના એક મોટા કૌભાંડનો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાં રેડ કરીને ટ્રેલરમાંથી સળિયાની ચોરી કરતા શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, આ ટોળકી નેશનલ હાઈવે પરથી પસાર થતા લોખંડના સળિયા ભરેલા ટ્રેલરના ડ્રાઈવરો અને ક્લીનર્સ સાથે સેટિંગ કરતી હતી. હાઈવે પર ર્નિજન સ્થળે ટ્રેલર ઉભું રખાવી તેમાંથી સળિયાની ચોરી કરવામાં આવતી હતી.
આ કેસમાં રઈસ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
પોલીસની રેડ દરમિયાન ઘટના સ્થળેથી ૭૦ હજાર કિલો લોખંડના સળિયા, એક વિશાળ ટ્રેલર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ટ્રેલરના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈસ શેખ છે. તે પોતાના સાગરીતોની મદદથી લાંબા સમયથી હાઈવે પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. હાલમાં રઈસ શેખ અને અન્ય એક શખ્સ પોલીસ પકડથી દૂર છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત ગ્રામ્ય પોલીસે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને રઈસ શેખને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.