Last Updated on by Sampurna Samachar
સંસદમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રીએ માહિતી આપી
પ્લેન ક્રેશમાં ૨૬૦ લોકોનો મોત નીપજ્યા હતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ખાતે ૧૨ જૂનના રોજ ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાના ચાર દિવસ બાદ એર ઈન્ડિયાના ૧૦૦ થી વધુ પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાં. સંસદમાં નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ અંગે માહિતી આપી હતી. આ ભયાવહ પ્લેન ક્રેશમાં ૨૬૦ લોકોનો મોત નીપજ્યા હતાં.
લોકસભામાં જણાવ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ૫૧ કમાન્ડર અને ૬૧ ફ્લાઈટ ઓફિસરનું માનસિક સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી મેડિકલ લીવ પર ઉતર્યા હતાં. અમે એરલાઇન્સ અને એરપોર્ટ સત્તાધીશોને સંભવિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંચાલન કરવા માટે ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર્સ માટે “સ્ટેન્ડઅલોન અને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ કેપ્સ્યુલ્સ” રજૂ કરવાની પણ સૂચના આપી હતી. તેમજ કોઈપણ સમસ્યાને ઓળખવા અને તેનો સામનો કરવામાં ફ્લાઇટ ક્રૂ / ATCOS (એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર્સ) ને મદદ-સમર્થન પૂરુ પાડવા પીઅર સપોર્ટ ગ્રુપ્સ બનાવવાની પણ સલાહ આપવામાં આવી છે.
અમે નોટિસોનો જવાબ આપીશુ
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને ક્રૂની ચિંતા અને ગભરાટ તથા તાલીમના સંચાલન સંબંધિત સલામતીના માપદંડોનું ઉલ્લંઘન કરવા બદલ બુધવારે ચાર શો-કોઝ નોટિસ પાઠવી હતી. નોટિસમાં છેલ્લા ૧૨ મહિનામાં એરલાઇન દ્વારા સ્વૈચ્છિક ખુલાસાઓ, તાલીમના ધોરણો અને ઓપરેશનલ પ્રક્રિયાઓને સુનિશ્ચિત કરવામાં થયેલા ભંગને આવરી લેવામાં આવ્યા હતાં.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે આ નોટિસનો સ્વીકાર કરીએ છીએ, છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા કેટલાક સ્વૈચ્છિક ખુલાસાઓ સાથે સંબંધિત અમે ઉપરોક્ત નોટિસોનો જવાબ આપીશું. એર ઇન્ડિયા પોતાના ક્રૂ અને મુસાફરોની સલામતી માટે પ્રતિબદ્ધ છે‘
એરઈન્ડિયાને છેલ્લા છ મહિનામાં સુરક્ષાના માપદંડોનું વિવિધ પ્રકારે ઉલ્લંઘન તેમજ દુર્ઘટનાઓના કારણે કુલ ૧૩ નોટિસ પાઠવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, હોંગકોંગથી દિલ્હી આવતી એરબસ છ૩૨૧ના પાવર યુનિટમાં આગ લાગી હતી. જોકે, જાનહાનિ ટળી હતી. ૨૪ કલાક પહેલાં જ કોચી-મુંબઈ ફ્લાઈટ રનવે પર ભટકાઈ હતી. જેના એન્જિન કવરને નુકસાન થયુ હતું.
છેલ્લી ઘડીએ અન્ય એક દિલ્હી-કોલકાતા ફ્લાઈટને સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે પણ દિલ્હી-મુંબઈ એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનની ડિસ્પ્લે સ્ક્રિનમાં સમસ્યા આવતાં ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. એર ઈન્ડિયા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે.