Last Updated on by Sampurna Samachar
RBI એ કોઇ પણ નાણાકીય લેવડ દેવડ વખતે સાવચેતી રાખવા કરી સૂચના
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજકાલ એવી ચર્ચાઓ થઈ રહી છે કે ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટ બાદ ૨૦૦ રૂપિયાની ચલણી નોટ પણ બંધ કરી દેવામાં આવશે. મળતા રિપોર્ટ્સ અનુસાર, ૨૦૦ રૂપિયાની તમામ ચલણી નોટોને માર્કેટમાંથી પરત ખેંચી લેવામાં આવી શકે છે.
શું તમે જાણો છો કે માર્કેટમાં સૌથી વધુ ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેટ થાય છે. આજે દરેક વ્યક્તિના ખિસ્સામાં ૨૦૦ રૂપિયાની નોટ જોવા મળે છે. ત્યારે સવાલ થાય કે શું મોદી સરકાર ૨૦૦ રૂપિયાની ચલણી નોટ બંધ કરવા જઈ રહી છે? આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોટી અપડેટ જાહેર કરી છે. આ અપડેટ ખાસ નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે, ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો બંધ કર્યા બાદ ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની કાઉન્ટરફીટ નોટો દેશમાં મોટા પાયે વધી રહી છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.
૨૦૦ રૂપિયાની ચલણી નોટ અસલી છે કે નકલી, તે અંગે જાણવા માટે નોટ પર નિશ્ચિત જગ્યાએ કેટલાક ચિહ્નો આપવામાં આવેલા છે. જેમ કે, નોટની ઉપરની તરફ ડાબી બાજુએ દેવનાગરીમાં ૨૦૦ લખ્યું છે, નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો, તેમજ ચલણી નોટની જમણી બાજુએ માઈક્રો લેટર્સમાં ‘RBI ‘, ‘ભારત’, ‘INDIA ‘, ‘૨૦૦’ લખ્યું છે, આ ઉપરાંત નોટની જમણી બાજુએ અશોક સ્તંભનો સિમ્બોલ પણ આપવામાં આવેલો છે.
જણાવી દઈએ કે, દેશમાં કાઉન્ટરફીટ નોટો ફેલાતી અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે. આ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોકોને નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે ચલણી નોટોને યોગ્ય રીતે તપાસવાની સલાહ પણ આપી છે. તેમજ રિઝર્વ બેન્કે એમ પણ જણાવ્યું છે કે, જો કોઈપણ વ્યક્તિને નકલી નોટ મળે છે, તો તે વ્યક્તિએ તરત જ આ અંગે લોકલ એડમિનિસ્ટ્રેશન અથવા તો સંબંધિત બેન્ક ઓથોરિટીને આ અંગે જાણ કરવી જોઈએ.