Last Updated on by Sampurna Samachar
બસચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
તરાંગલા નજીક ખીણમાં ખાબકી હતી બસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યા સરકાઘાટ વિસ્તારના તરાંગલામાં મુસાફરોથી ભરેલી HRTC ની સરકારી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં પાંચના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી.
અહેવાલો અનુસાર, સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ સરકારી બસ સરકાઘાટથી જામની દુર્ગાપુર જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે તરાંગલા નજીક ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ ૨૦થી ૨૫ મુસાફરો હતા. આ દુર્ઘટનાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સ્થાનિક લોકોને ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતના કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બસ દુર્ઘટના અંગે DSP સંજીવ ગૌતમે જણાવ્યું હતું કે, ‘સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.‘