Last Updated on by Sampurna Samachar
આ મામલામાં ૨૧ વર્ષના એક યુવકની શોધખોળ હાથ ધરાઇ
એક્સોન ગેસ સ્ટેશનની બહાર તેમને શૂટ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરાયાનો કિસ્સો સામે આવ્યો છે, ડેનવીલ પોલીસના જણાવ્યા અનુસાર ૪૭ વર્ષના પિનાકિન પટેલને શૂટ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એરપોર્ટ માર્ટ એક્સોન ગેસ સ્ટેશનની બહાર શૂટિંગ થયું હોવાની પોલીસને માહિતી મળી હતી.
જે ગેસ સ્ટેશનના પાર્કિંગ લોટમાં પિનાકિન પટેલને ગોળી મારવામાં આવી હતી તે જ સ્ટોર સાથે તેઓ સંકળાયેલા હતા. જોકે, તેઓ અહીં જોબ કરતા હતા કે પછી ઓનર હતા. તેની કોઈ વિગતો નથી મળી શકી. ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિનાકિન પટેલને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું હતું.
યુવક સાથે પિનાકિન પટેલની ઝપાઝપી
પોલીસનું માનવું છે કે ચોરીના ઈરાદે મૃતકને ગોળી મારવામાં આવી હતી અને હાલ આ મામલામાં ૨૧ વર્ષના એક યુવકની શોધખોળ ચાલી રહી છે. જેનું નામ જેલિન લોવન જણાવાયું છે. ક્રાઈમ સીન પરથી એક કાર નીકળી હોવાનું પોલીસને જાણવા મળ્યા બાદ તેની લાઈસન્સ પ્લેટના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને હાલ તેના પર સેકન્ડ ડિગ્રી મર્ડરનો ચાર્જ લગાવાયો છે.
પોલીસે આરોપીની માહિતી આપનારાને ૫૦૦ ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચોરી અથવા લૂંટના ઈરાદે પોતાને ગન બતાવનારા યુવક સાથે પિનાકિન પટેલને ઝપાઝપી થઈ હોવી જોઈએ અને આ દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હોય તેવી શક્યતા છે.
આ કેસની તપાસ હાલ ચાલુ હોવાથી તેમજ આરોપી પણ હાથમાં ના આવ્યો હોવાના કારણે પોલીસે તેની વધુ કોઈ વિગતો જાહેર નથી કરી, પિનાકિન પટેલ કેટલા વર્ષથી અમેરિકામાં રહેતા હતા, તેમની ફેમિલીમાં કોણ-કોણ છે, ગુજરાતમાં તેઓ મૂળ ક્યાંના હતા તેમજ હાલ તે કયા સ્ટેટસ પર હતા તેની પણ માહિતી નથી મળી શકી તેમજ પોલીસ દ્વારા તેમનો ફોટોગ્રાફ પણ જાહેર નથી કરાયો.
ગુજરાતીઓની સારી એવી વસ્તી ધરાવતા અમેરિકન સ્ટેટ વર્જિનિયામાં હજુ ગયા મહિને જ સ્ટોર ચલાવતા ગુજરાતી પિતા-પુત્રીની વહેલી સવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનામાં મહેસાણાના કનોડા ગામના પ્રદીપ પટેલ અને તેમની દીકરી ઉર્મી પટેલનું મોત થયું હતું. માર્ચ ૨૦ ના રોજ સંભવત રોબરી કરવાના ઈરાદે સવારે પાંચેક વાગ્યે જ સ્ટોરમાં ઘૂસી ગયેલા એક અશ્વેતે પ્રદીપભાઈ અને તેમની દીકરીને ગોળી મારી હતી. જેમાં ૫૬ વર્ષના પ્રદીપભાઈનું સ્ટોરમાં જ મોત થઈ ગયું હતું. જ્યારે તેમની દીકરી ઉર્મીએ એકાદ-બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
૨૪ વર્ષની ઉર્મીના હજુ બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ત્રણેક વર્ષ પહેલા યુએસ શિફ્ટ થયેલા આ ગુજરાતી પરિવારે વર્જિનિયાની એકોમેક કાઉન્ટીમાં પોતાનો સ્ટોર શરૂ કર્યો હતો જેને આખી ફેમિલી સાથે મળીને ચલાવતી હતી. યુએસમાં ચોરી અને લૂંટની ઘટનામાં ગોળી વાગવાથી દર વર્ષે હજારો લોકોના મોત થતા હોય છે, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
યુએસમાં બિઝનેસ સાથે સંકળાયેલા ગુજરાતીઓ હંમેશા ક્રિમિનલ્સના સોફ્ટ ટાર્ગેટ પર રહેતા હોય છે અને જો તેમની પાસે ગન હોય તો ચૂપચાપ તેમની ડિમાન્ડના તાબે થઈ જવામાં જ સલામતી છે, કારણકે ક્રાઈમ કરતા મોટાભાગના લોકો ડ્રગ્સના બંધાણી હોય છે અને જો તેઓ નશાની હાલતમાં રોબરી કરવા આવ્યા હોય તો ગમે ત્યારે કોઈનો પણ જીવ લઈ શકે છે. વર્જિનિયામાં જ ગુજરાતીઓને શૂટ કરવાની બે અલગ-અલગ ઘટના એ વાતની સાબિતી આપે છે કે અમેરિકામાં પોતાનો બિઝનેસ ચલાવવો કેટલો રિસ્કી છે અને ગન કલ્ચરને અહીં માણસની જિંદગીની વેલ્યૂ પણ કેટલી સસ્તી છે.