Last Updated on by Sampurna Samachar
રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો!
રાંચી, શ્રીનગર, કોલકાતા, દિલ્હી, ફરીદાબાદ, પટના અને જયપુર દેશના સૌથી ઓછા સુરક્ષિત શહેરો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલા સુરક્ષા ભારત જેવા દેશ માટે માત્ર એક સામાજિક મુદ્દો નથી, પરંતુ વિકાસની દિશા નક્કી કરવાનું એક માધ્યમ પણ છે. NARI- 2025 રિપોર્ટ આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પહેલ છે. તેની મદદથી, મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલા તે પાસાઓને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, શહેરી વિસ્તારોની ૪૦% મહિલાઓ પોતાના શહેરોમાં અસુરક્ષિત અનુભવે છે. ખાસ કરીને આ ખતરો રાતના સમયે, ખરાબ સ્ટ્રીટ લાઇટિંગ અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાને કારણે વધી જાય છે.
મહિલાઓનો વાસ્તવિક અવાજ બહાર લાવવાનો હેતુ
NARI- 2025 રિપોર્ટ ૩૧ શહેરોની ૧૨,૭૭૦ મહિલાઓના મંતવ્યો પર આધારિત છે અને તેથી તેની વિશ્વસનીયતા ફક્ત આંકડા સુધી મર્યાદિત નથી, પરંતુ તે મહિલાઓના વાસ્તવિક અનુભવોના પણ પુરાવા આપે છે.
રિપોર્ટમાં દેશના અલગ-અલગ શહેરોની મહિલાઓને સુરક્ષા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રાંચી, શ્રીનગર, કોલકાતા, દિલ્હી, ફરીદાબાદ, પટના અને જયપુરને દેશના સૌથી ઓછા સુરક્ષિત શહેરો ગણવામાં આવ્યા. આ ઉપરાંત કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, આઈઝોલ, ગંગટોક, ઇટાનગર અને મુંબઈને સલામત શહેરોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
રસ્તા પર તાકી રહેવું, છેડતી કરવી, અશ્લીલ ટિપ્પણીઓ અને શારીરિક છેડતી જેવી ઘટનાઓ સામાન્ય છે. આ કારણે ઘણી વિદ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે અને કામ કરતી મહિલાઓને નોકરી છોડવાની ફરજ પડે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૪માં ૭% મહિલાઓએ કહ્યું કે, તેમને છેડતીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ જાેખમનો સામનો ૧૮-૨૪ વર્ષની યુવતીઓએ કર્યો છે. જોકે, NARI- ૨૦૨૨ના રિપોર્ટ સાથે સરખામણી કરવામાં આવે તો માત્ર ૦.૦૭% મહિલાઓ સામેના ગુનાહિત કેસોના નોંધાયા હતા. આ તફાવત દર્શાવે છે કે, સત્તાવાર આંકડા મહિલાઓની વાસ્તવિક વેદનાને રેકોર્ડ કરવામાં સક્ષમ નથી.
આ ઉપરાંત ફક્ત ૨૨% મહિલાઓ જ તેમના ઉત્પીડનના અનુભવોની જાણ કરે છે અને તેમાંથી ફક્ત ૧૬% કેસ પર કાર્યવાહી થાય છે. આ સ્પષ્ટ કરે છે કે રિપોર્ટિંગ સિસ્ટમ પર આધાર રાખવો એ એક મોટી ભૂલ છે.
રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ૫૩% મહિલાઓને એ પણ ખબર નથી કે તેમના કાર્યસ્થળ પર POSH નીતિ છે કે નહીં. આની સીધી અસર મહિલાઓની માનસિક અને વ્યાવસાયિક સલામતી પર પડે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોર રહાતકરે જણાવ્યું કે, આ રિપોર્ટનો હેતુ ફક્ત આંકડા રજૂ કરવાનો નથી, પરંતુ મહિલાઓનો વાસ્તવિક અવાજ બહાર લાવવાનો છે. જ્યારે PValue Analytics ના MD પ્રહલાદ રાઉતે તેને વિકસિત ભારત ૨૦૪૭ના વિઝન સાથે જોડ્યો અને નીતિ નિર્માતાઓ, કોર્પોરેટ્સ અને નાગરિક સમાજને સાથે મળીને નક્કર પગલાં લેવા અપીલ કરી.