Last Updated on by Sampurna Samachar
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે પોતાની પત્નીથી છૂટાછેડાની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર રાહુલ ચહર પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે પોતાની પત્નીથી છૂટાછેડાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્ન ૨૦૨૨માં ગોવામાં થયા હતા. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાહુલ ચહરે ખુલાસો કર્યો કે તેણે પોતાના જીવનના ૧૫ મહિના કોર્ટ અને કાનૂની કાર્યવાહીમાં પસાર કરવા પડ્યા, ફક્ત પોતાનું સત્ય બહાર લાવવા માટે. તેણે એ પણ શેર કર્યું કે તેના છૂટાછેડાથી તેને ઘણી તકલીફ અને નુકસાન થયું છે.

રાહુલ ચહરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટ શેર કરી, જેમાં ઈશાની જોહરથી પોતાના અલગ થવાની પુષ્ટિ કરવામાં આવી. ૨૬ વર્ષીય ક્રિકેટરે પોતાની પોસ્ટની શરૂઆત એ રીતે કરી હતી કે તેણે ૨૨ વર્ષની નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા, તેની પહેલાં જો તે સમજી શક્યો હોત કે તેને જીંદગીથી શું જોઈએ છે. ત્યારબાદ તેને એવા પાઠ શીખવા મળ્યા જેનો તેણે ક્યારેય સામનો કરવાની અપેક્ષા નહોતી રાખી, ૧૫ મહિના કાનૂની અને કોર્ટ કાર્યવાહીમાં વિત્યા.
૧૫ મહિના કાનૂની અને કોર્ટ કાર્યવાહીમાં વિત્યા
રાહુલ ચહરે વધુમાં જણાવ્યું કે આ પ્રકરણ હવે કાયદેસર રીતે સમાપ્ત થઈ ગયું છે. તેણે કહ્યું કે આ મામલો છૂટાછેડાથી ઉકેલાયો છે, જેની તેણે ભારે કિંમત ચૂકવવી પડી. રાહુલ ચહરે ઉમેર્યું કે તે આ પ્રકરણ ગુસ્સા કે અફસોસથી નહીં, પરંતુ સ્પષ્ટતા અને નિખાલસતાથી બંધ કરી રહ્યો છે. તેણે કહ્યું કે કેટલાક સંબંધો કાયમ માટે ટકી રહેવા માટે નથી હોતા, તેના બદલે તે આપણને શીખવવા અને આપણને વિકસિત કરવામાં મદદ કરવા માટે હોય છે.
રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્ન ૯ માર્ચ, ૨૦૨૨ના રોજ થયા હતા. તેમના લગ્ન ચાર વર્ષથી પણ ઓછા સમય સુધી ચાલ્યા હતા. સતત વિવાદોને કારણે આ દંપતીએ હવે અલગ થવાનો ર્નિણય લીધો છે. ચહર અને ઈશાનીએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે.