Last Updated on by Sampurna Samachar
૨૦૧૪ની શિક્ષક યોગ્યતા પરીક્ષા દ્વારા કરાઇ હતી ભરતી
૨૦૨૩ ના રોજ પ્રાથમિક શિક્ષકોની નિમણૂકો રદ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના ૩૨,૦૦૦ પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકોને મોટી ખુશખબર મળી છે. કલકત્તા હાઈકોર્ટની એક ખંડપીઠે એકલ પીઠના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં ૩૨,૦૦૦ પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકોની નિમણૂકો રદ કરવામાં આવી હતી. આનાથી હવે આ શિક્ષકોની નોકરી પરનું જોખમ દૂર થઈ ગયું છે.

આ શિક્ષકોની ભરતી ૨૦૧૪ની શિક્ષક યોગ્યતા પરીક્ષા દ્વારા કરવામાં આવી હતી. જસ્ટિસ તપબ્રત ચક્રવર્તીની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, તે એકલ પીઠના આદેશને જાળવી રાખવા માટે ઈચ્છુક નથી, કારણ કે તમામ ભરતીઓમાં અનિયમિતતાઓ સાબિત થઈ નથી. ન્યાયાલયે કહ્યું કે, નવ વર્ષ પછી નોકરી સમાપ્ત કરવાથી પ્રાથમિક શિક્ષકો અને તેમના પરિવારો પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે.
૩૨,૦૦૦ શિક્ષકોની નોકરીઓ સંપૂર્ણપણે સુરક્ષિત
ખંડપીઠે જણાવ્યું કે, સીબીઆઈએ જેને ઉચ્ચ ન્યાયાલય દ્વારા મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, તેણે શરૂઆતમાં ૨૬૪ નિમણૂકોની ઓળખ કરી હતી, જેમાં અનિયમિતતાઓ થઈ હતી, ત્યારબાદ અન્ય ૯૬ શિક્ષકોના નામ એજન્સીની તપાસના દાયરામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ જોતાં સંપૂર્ણ પસંદગી પ્રક્રિયાને રદ કરી શકાય નહીં. તત્કાલીન ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાયની એકલ પીઠે ૧૨ મે ૨૦૨૩ના રોજ આ ૩૨,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની નિમણૂકો રદ કરી દીધી હતી.
પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી બ્રત્યુ બસુએ પ્રાથમિક વિદ્યાલયોના ૩૨,૦૦૦ શિક્ષકોની નિમણૂકને રદ કરનારા એકલ પીઠના ર્નિણયને નિરસ્ત કરવા બદલ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠની પ્રશંસા કરતા બુધવારે કહ્યું કે, સત્યનો વિજય થયો છે, કારણ કે શિક્ષકોની નોકરીઓ “સુરક્ષિત” બની રહી છે. બસુએ એક્સ પર એક પોસ્ટમાં પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડને પણ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, “પ્રાથમિક વિદ્યાલયના ૩૨,૦૦૦ શિક્ષકોની નોકરીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. શિક્ષકોને મારી શુભેચ્છાઓ. સત્યનો વિજય થયો છે.”