Last Updated on by Sampurna Samachar
લશ્કર એ તૈયબાના ઓપરેશનલ ચીફ માર્યો ગયો
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલર ગામના શુકરુ વન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં લશ્કર એ તૈયબાનો ઓપરેશનલ ચીફ શાહિદ કુટ્ટે સહિત બે અન્ય આતંકીઓનો ખાતમો સેનાએ કર્યો હતો.
પોલીસના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર અથડામણમાં લશ્કર એ તૈયબાના ઓપરેશનલ ચીફ સહિત ૩ આતંકીઓનો ખાતમો થયો છે. ચોટીપોરા હીરપોરા, શોપિયાનો રહીશ શાહિદ મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક હતો. જે ૮ માર્ચ ૨૦૨૩ના રોજ આતંકી રેંકમાં સામેલ થયો હતો અને અનેક આતંકી મામલાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીઓમાંથી ૨ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે અને ૧ આતંકીની ઓળખ બાકી છે.
ત્રણ આતંકીઓના પોસ્ટર બહાર પાડ્યા
શાહિદ કુટ્ટે પુત્ર મોહમ્મદ યુસુફ કુટ્ટે રહીશ ચોટીપોરા હીરપોરા શોપિયા. ૮ માર્ચ ૨૦૨૩ના રોજ આતંકી સંગઠનમાં સામેલ થયેલો આ આતંકી એ કેટેગરીનો આતંકી હતો. સૂત્રના જણાવ્યાં મુજબ તે ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ ડિનેશ રિસોર્ટમાં ફાયરિંગની ઘટનામાં સામેલ હતો. જેમાં બે જર્મન પર્યટક અને એક ડ્રાઈવર ઘાયલ થયા હતા. તે ૧૮મી મે ૨૦૨૪ના રોજ શોપિયાના હીરપોરામાં ભાજપના સરપંચની હત્યામાં સામેલ હતો. તેના પર ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કુલગામના બેહિબાગમાં ટીએ કર્મીઓની હત્યામાં સામેલ હોવાનો શક છે.
અન્ય આતંકીની ઓળખ અદનાન શફી ડાર પુત્ર મોહમ્મદ શફી ડાર રહીશ વંડુના મેલહોરા, શોપિયા તરીકે થઈ છે. ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ તે લશ્કર એ તૈયબાનો સી કેટેગરીનો આતંકી હતો. તે ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ શોપિયાના વાચીમાં મજૂરની હત્યામાં સામેલ હતો. અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજા આતંકીની ઓળખ થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ શોપિયા જિલ્લાના કેલ્લર ગામના શુકરુ જંગલોમાં આતંકીઓની હાજરી અંગે સુરક્ષાદળોને એક વિશેષ ઈનપુટ મળ્યા બાદ જંગલ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ.
એક અન્ય ઘટનાક્રમમાં પહેલગામ હુમલાની તપાસ એજન્સીઓએ પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર બહાર પાડ્યા છે અને તેમની જાણકારી આપનારાઓને ૩૨૦ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ પોસ્ટર શોપિયા, કુલગામ, પુલવામા, અને અનંતનાગ જિલ્લાઓમાં અનેક ઠેકાણે લગાવવામાં આવ્યા હતા. પોસ્ટર પર ત્રણ આતંકીઓ મૂસા, અલીભાઈ અને સ્થાનિક આદિલ ઠોકરની વિગતો છે.
ઓપેરશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાનમાં ૯ આતંકી કેમ્પો પર હુમલા બાદ હવે જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકીઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ અભિયાન તેજ કરાયું છે. એસઆઈએએ પરમ દિવસે દક્ષિણ કાશ્મિરમાં ઓજીડબલ્યુના ૨૦ ઘરોમાં રેડ મારી અને કહ્યું કે તેઓ સુરક્ષાદળોની અવરજવર અને પ્રતિષ્ઠાનોની રણનીતિક જાણકારીઓ શેર કરવામાં સામેલ હતા.