Last Updated on by Sampurna Samachar
નાની વયે હાર્ટ એટેક આવવાની ઘટનાઓનાં કારણે ચિંતામાં વધારો
ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ અને ચિંતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાની વયે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત ચિંતા વધારી રહી છે. ધોરાજી શહેરના વી. સી. પ્લોટ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય આશાસ્પદ યુવાન હર્ષદ રમેશભાઈ ગોરાનું અચાનક હાર્ટ એટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, હર્ષદભાઈ પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ જ્યારે ઘરે હતા ત્યારે અચાનક તેમના છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો દ્વારા વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
પરિવાર અને સ્થાનિકોમાં માતમ તેમ જ ભારે શોક જોવા મળ્યો
મૃતક હર્ષદભાઈ પરિણીત હતા અને તેમને સંતાનમાં એક નાની બાળકી છે. ઘરના મોભી સમાન યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા સ્થાનિકોમાં પણ ભારે શોક જોવા મળી રહ્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે, ધોરાજીના વી. સી. પ્લોટ વિસ્તારમાં છેલ્લા ત્રણ જ દિવસમાં આ ત્રીજું મૃત્યુ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ અને ચિંતાની લાગણી પ્રસરી છે. ખાસ કરીને યુવાવર્ગમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે.