Last Updated on by Sampurna Samachar
કુલ નવ લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા
આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમની તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહોમાં ફૂડ પોઇઝનિંગથી અત્યાર સુધીમાં ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ખજુરાહોના આ ગૌતમ રિસોર્ટમાં કેટલાક કર્મચારીઓ જમ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ભોજન લીધા પછી થોડા સમય બાદ, કર્મચારીઓએ ઉલટી, અસ્વસ્થતા અને માથાના દુખાવોની ફરિયાદ કરી હતી. તેમના સાથીદારોએ તાત્કાલિક તેમને ખજુરાહો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. અને પ્રાથમિક સારવાર અપાવી હતી. પરંતુ બાદમાં તેમની હાલત વધુ ખરાબ થઇ ગઇ હતી. અને તેમને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

મૃતકોની ઓળખ પ્રાગીલાલ કુશવાહા, ગિરજા રજક અને રામસ્વરૂપ કુશવાહા તરીકે થઈ છે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. આર.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, કુલ નવ લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો સાથે ખજુરાહો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. તે બધાની સ્થિતિ ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે ગ્વાલિયર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ કર્મચારીઓના મૃત્યુ થયા હતા.
ખોરાકમાં કયા પ્રકારની ભેળસેળ થઇ તે હવે ખબર પડશે
આરોગ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમો ગૌતમ રિસોર્ટ ખાતે પહોંચી હતી. રિસોર્ટમાં તૈયાર કરાયેલા ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે રિસોર્ટના કર્મચારીઓ જ્યાં રહેતા હતા તે જગ્યા પણ સીલ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે કે ખોરાકમાં કયા પ્રકારની ભેળસેળ થઇ છે.