Last Updated on by Sampurna Samachar
ભારત પાકિસ્તાન સરહદ પર હેલિકોપ્ટર તૈનાત
પઠાણકોટ અને જોરહાટમાં બે સ્ક્વોડ્રન એક્ટિવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જાયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પ્રથમ કન્સાઈનમેન્ટ મળવા જઈ રહી છે. અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી આ જ અઠવાડિયે થવા જઈ રહી છે. પ્રથમ કન્સાઈનમેન્ટ હેઠળ કુલ ત્રણ અપાચે હેલિકોપ્ટર મળશે, જે રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધીને તેને મારવામાં સક્ષમ છે. અમેરિકન સેનામાં લાંબા સમયથી તહેનાત આ હેલિકોપ્ટરની ખૂબ માંગ રહી છે.

અત્યાર સુધીમાં લગભગ ૨૦ દેશોમાં અમેરિકા દ્વારા આ હેલિકોપ્ટરની ડિલિવરી કરવામાં આવી ચૂકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પાકિસ્તાન સરહદ પર આ હેલિકોપ્ટર તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. ૨ જુલાઈના રોજ જ સમાચાર આવ્યા હતા કે આ હેલિકોપ્ટરની ડિલિવરીની રાહ સમાપ્ત થશે અને તે આ જ મહિને ભારત આવી શકે છે.
ભારતના દુશ્મન દેશોના વધશે ધબકારા
આ હેલિકોપ્ટરને હવાઈ ટેન્ક પણ કહેવામાં આવે છે. અમેરિકાથી આવનારા AH -૬૪ES અપાચે હેલિકોપ્ટરોનું લેન્ડિંગ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર થશે. ભારતીય સેનાએ આ હેલિકોપ્ટર માટે એક અલગ કાફલો તૈયાર કરી લીધો છે. જોધપુરમાં ૧૫ મહિના પહેલા જ તેની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હેલિકોપ્ટરની ડિલિવરી અટકી ગઈ હતી. તેનું કારણ એ હતું કે, વિશ્વના ભૂ-રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પણ ટ્રેડ ટેરિફ વગેરેમાં વ્યસ્ત હતું. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સ પાસે પહેલાથી જ પઠાણકોટ અને જોરહાટમાં બે સ્ક્વોડ્રન એક્ટિવ છે.
તમને જણાવી દઈએ કે, ૨૦૧૫માં પણ ભારત સરકારે અમેરિકા સાથે ૨૨ અપાચે હેલિકોપ્ટરની ડીલ કરી હતી. તે ઓર્ડરની સંપૂર્ણ ડિલિવરી અમેરિકા દ્વારા જુલાઈ ૨૦૨૦માં કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૨૦માં ભારતે વધુ ૬ હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલ હેઠળ પ્રથમ કન્સાઈનમેન્ટની ડિલિવરી મે થી જૂન ૨૦૨૪ દરમિયાન થવાની હતી. પરંતુ તેમાં વિલંબ થતો રહ્યો. તમને જણાવી દઈએ કે, અમેરિકન કંપની બોઈંગ અને ટાટા દ્વારા હૈદરાબાદમાં પણ એક જોઈન્ટ વેન્ટર ચાલી રહ્યું છે. અહીં તૈયાર કરવામાં આવેલ એક અપાચે હેલિકોપ્ટર ૨૦૨૩માં ભારતીય સેનાને મળ્યું હતું. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે, તે અંધારામાં પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત તે કોઈપણ હવામાનમાં સચોટ ડેટા હાંસલ કરી શકે છે.
આ હેલિકોપ્ટરમાં નાઈટ વિઝન નેવિગેશન સિસ્ટમ છે. તેના માધ્યમથી રાત્રિના અંધારામાં પણ ટાર્ગેટને શોધી શકાય છે. તમને જણાવી દઈએ કે, અપાચે હેલિકોપ્ટરોનો ઉપયોગ માત્ર હુમલા માટે જ નહીં પરંતુ સુરક્ષા અને શાંતિ ઓપરેશન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, અચાપે AH -૬૪ હેલિકોપ્ટર એક અમેરિકન ટ્વીન-ટર્બોશાફ્ટ એટેક હેલિકોપ્ટર છે, જેમાં ટેલવ્હીલ ટાઈપનું લેન્ડિંગ ગિયર અને બે લોકોના ક્રૂ માટે કોકપીટ છે. નાક પર લગાવેલા સેન્સર નક્કી કરેલા ટારગેટ મેળવવા અને રાત્રે જોવામાં મદદ કરે છે. તેની આગળના ભાગે ફ્યુઝલેજ હેઠળ ૩૦ MM M ૨૩૦ ચેઇન ગન અને સ્ટોર્સ માટે ચાર હાર્ડપોઇન્ટ છે, જે AGM -૧૧૪ હેલફાયર મિસાઇલ અને હાઇડ્રા ૭૦ રોકેટ પોડ્સ માટે છે.
આ હેલિકોપ્ટર હાલમાં યુએસ આર્મી, ઇઝરાયેલી આર્મી, બ્રિટિશ આર્મી અને સાઉદી અરેબિયન આર્મી દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતીય સેનામાં તેનો સમાવેશ પાકિસ્તાન અને ચીન જેવા દેશોના હૃદયના ધબકારા વધારવાનો છે.