Last Updated on by Sampurna Samachar
દેશમાં ‘એક રાજ્ય, એક ગ્રામીણ બેંક’ યોજના અમલમાં આવી
મર્જર બાદ બેંકોની સંખ્યા ૪૩ થી ઘટીને ૨૮ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં ‘એક રાજ્ય, એક ગ્રામીણ બેંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, ‘આજથી દેશભરમાં આ યોજના લાગુ કરી દેવાઈ છે. અગાઉ ૭૦૦ જિલ્લામાં કાર્યરત ૪૩ RRB ઘટીને ૨૮ થશે. યોજના અંતર્ગત ૧૧ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની ૨૬ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ RRB માં મર્જર કરી દેવાયું છે.

નાણાકીય સેવા વિભાગે (DFS) કહ્યું કે, ‘ મર્જર બાદ બેંકોની સંખ્યા ૪૩ થી ઘટીને ૨૮ થઈ ગઈ છે. આમ કરવાથી RRB ના નાણાંકીય વ્યવહાર તેમજ પ્રદર્શનમાં સુધારો થશે. DFS એ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘હવે કુલ ૨૮ પ્રાદેશિક ગ્રામીણ બેંકો હશે, જેમની ૭૦૦ જિલ્લામાં ૨૨, ૦૦૦ થી વધુ શાખાઓ હશે.’ બધી સંસ્થાઓની અધિકૃત મૂડી ૨,૦૦૦ કરોડ રૂપિયા હશે.
આ પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું કરાયું મર્જર
આંધ્રપ્રદેશમાં ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બેંક અને અન્ય RRB નું વિલીનીકરણ કરીને આંધ્રપ્રદેશ ગ્રામીણ બેંક બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં બરોડા યુપી બેંક, આર્યાવર્ત બેંક, પ્રથમા યુપી ગ્રામીણ બેંકનું વિલીનીકરણ કરીને ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક લખનૌમાં હશે.
પશ્ચિમ બંગાળમાં બંગીયા ગ્રામીણ વિકાસ બેંક, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક અને ઉત્તર બંગાળ RRB ને મર્જ કરીને પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક કોલકાતામાં હશે. ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં બે-બે RRB ને એકમાં મર્જ કરવામાં આવશે.