Last Updated on by Sampurna Samachar
ગૃહમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર ચર્ચા વખતે કર્યો દાવો
ભોજેગૌડા ઘણા વર્ષોથી વિધાન પરિષદના સભ્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક વિધાન પરિષદમાં JDS ના મેમ્બર એસએલ ભોજેગૌડા (JDS) એ સદનમાં ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે, જ્યારે તેઓ ચિક્કામગલુરુ નગર પાલિકા પ્રમુખ હતા, ત્યારે તેમણે ૨,૫૦૦ રખડતા કૂતરાઓને મારીને ઝાડ નીચે દફનાવી દીધા હતા.

ગૃહમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર ચર્ચા કરતી દરમિયાન ભોજેગૌડાએ કહ્યું, નગર પરિષદના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અમે ૨,૫૦૦ કૂતરાઓને મારીને ઝાડ નીચે દફનાવી દીધા હતા જેથી તેઓ કુદરતી ખાતર બની શકે. નોંધનીય છે કે, ભોજેગૌડા ઘણા વર્ષોથી વિધાન પરિષદના સભ્ય છે.
રખડતા કૂતરા કરડવાથી હડકવાનું જોખમ રહેલું
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં કર્ણાટકમાં ૨.૪ લાખ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. આ સાથે હડકવાથી ૧૯ લોકોના મોત થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ વહીવટ મંત્રી રહીમ ખાને કહ્યું કે, વર્તમાન નિયમો માત્ર રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણની મંજૂરી આપે છે, તેમને મારવાની નહીં.
ભોજેગૌડાએ વધુમાં કહ્યું, જો કોઈ રખડતા કૂતરાઓને રસ્તા પરથી દૂર કરવાનો વિરોધ કરે છે, તો સરકારે તેમના ઘરમાં ૧૦-૧૦ કૂતરા છોડી મુકવા જોઈએ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, રખડતા કૂતરાઓને ખતરનાક માનીને તેમને દૂર કરવા એ શાસન નથી, પરંતુ ક્રૂરતા છે. તેમની આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે શેરીઓમાંથી બધા જ રખડતા કૂતરાઓને કાયમી ધોરણે આશ્રયસ્થાનોમાં ખસેડવાનો નિર્દેશ આપ્યા પછી આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રખડતા કૂતરા કરડવાથી હડકવાનું જોખમ રહેલું છે, ખાસ કરીને બાળકોમાં જે ખૂબ જ ગંભીર સ્થિતિ છે. સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પર મંગળવારે એક પોસ્ટ લખી હતી કે, રખડતા કૂતરાઓને ઉપદ્રવી માનીને હટાવવા એ શાસન નથી, પરંતુ ક્રૂરતા છે. માનવીય સમાજ એવા ઉકેલો શોધો છે, જે લોકો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. જેમાં નસબંધી, રસીકરણ અને સમુદાય સંભાળ કાર્ય કરે છે. ભય આધારિત પગલાં ફક્ત દુ:ખમાં વધારો કરે છે, રક્ષણ નહીં.
મુખ્યમંત્રીની આ પોસ્ટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એ પોસ્ટના જવાબમાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ દાયકાઓ જૂની માનવીય અને વિજ્ઞાન-સમર્થિત નીતિથી એક પગલું પાછળ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે,રખડતા કૂતરાઓને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્દેશ ક્રૂર, ટૂંકી દૃષ્ટિ અને કરુણાનો અભાવ દર્શાવે છે.