Last Updated on by Sampurna Samachar
લગ્નના માત્ર ૧૦ મહિનામાં જ છૂટાછેડા લઈ લીધા હતા
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચાંદખેડામાં છૂટાછેડા લીધા બાદ પોતાના જ પતિ સાથે મૈત્રી કરારમાં રહેતી એક ૨૫ વર્ષીય યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અહીં યુવતીએ ત્રાસથી કંટાળીને ફ્લેટના ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેના પૂર્વ પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવતીના પિતા તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. પોલીસ ફરિયાદ મુજબ, તેમની દીકરીએ વર્ષ ૨૦૨૦માં પરિવારની મરજી વિરુદ્ધ જ ચાંદખેડામાં રહેતા ટીપેન્દ્ર પિયજા નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ જ્યારે તે સાસરીમાં રહેતી હતી, ત્યારે તેના પતિ ટીપેન્દ્ર, સાસુ હિરલ અને દિયર જૈમીન તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને મૈત્રીએ લગ્નના માત્ર ૧૦ મહિનામાં જ છૂટાછેડા લઈ લીધા હતા અને તે પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી.
ફ્લેટના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી
આ છૂટાછેડાના માત્ર બે મહિના બાદ જ ફરીથી ટીપેન્દ્ર સાથે ભાગી ગઈ હતી. જાેકે, કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા હોવાથી બંને મૈત્રી કરાર કરીને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. આ સંબંધ દરમિયાન તેમને એક બાળક પણ છે.
મૃતક યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, દીકરી ફરીથી સાસરીમાં રહેવા લાગ્યા પછી પણ ત્રાસ ઓછો થયો નહોતો. સાસુ હિરલ અને પતિ ટીપેન્દ્ર મૈત્રીને વારંવાર ટોર્ચર કરતા હતા. સાસુ હિરલ તેને ધમકાવતી હતી કે, જો તું અમારા કહ્યા પ્રમાણે નહીં કરે તો અમે તારા દીકરાને તારી પાસેથી છીનવી લઈશું અને તને ઘરમાંથી કાઢી મૂકીશું. આ ઉપરાંત, દીકરીને તેના પિતાના ઘરેથી રૂપિયા લઈ આવવા માટે સતત દબાણ કરતા હતા અને ધાકધમકી આપતા હતા.
આ સતત ત્રાસથી કંટાળીને યુવતી ૧૧ નવેમ્બરના રોજ તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. તેણે પિતાને જણાવ્યું હતું કે તેના પતિ ટીપેન્દ્ર સિંગાપુર, મલેશિયા અને બેંગકોક ખાતે ગયા છે. જાેકે, ૨૧ નવેમ્બરે મૈત્રીએ તેના પિતાને જાણ કરી કે તેના પતિ ઘરે પાછા આવી ગયા છે, અને જાે તે નહીં જાય તો તે ઝઘડો કરશે.
આથી મૈત્રી ૨૧ નવેમ્બરની રાત્રે સાસરીમાં પરત જતી રહી હતી. બીજા જ દિવસે, એટલે કે ૨૨ નવેમ્બરના રોજ, મૈત્રીએ ફ્લેટના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી હતી, જેમાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મૈત્રીના પરિવારે આ મામલે પતિ ટીપેન્દ્ર, સાસુ હિરલ અને દિયર જૈમીન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે આ ગંભીર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.