Last Updated on by Sampurna Samachar
કોર્ટ સમક્ષ યુવતીએ જે રજૂઆત કરી, તેણે બધાને ચોંકાવી દીધા
માતા-પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાની એક ૨૩ વર્ષીય યુવતીના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. યુવતી તેના પિતાની ઉંમરના અને એક સંતાનના પિતા સાથે ભાગી જતાં, તેના માતા-પિતાએ દીકરીને ગેરકાયદે ગોંધી રાખવામાં આવી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટ સમક્ષ યુવતીએ જે રજૂઆત કરી, તેણે બધાને ચોંકાવી દીધા હતા અને અંતે કોર્ટે યુવતીને તેની મરજી મુજબ જવા આદેશ કર્યો હતો.

યુવતી ગુમ થતા તેના પિતાએ મહેસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ સમયસર દીકરીને શોધી શકી ન હતી. આથી, માતા-પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે તેમની પુત્રીને એક પરિણીત અને મોટી ઉંમરની વ્યક્તિએ ગેરકાયદે ગોંધી રાખી છે.
પિતા રડતાં રહ્યા અને દિકરી પ્રેમી સાથે નીકળી ગઇ
પિતાએ એ પણ દલીલ કરી હતી કે જે વ્યક્તિ સાથે દીકરી રહે છે તે પાંચ વર્ષના સંતાનનો પિતા છે અને પત્ની તથા બાળક સાથે જ રહે છે. યુવતીને ભગાડવામાં અન્ય ૧૫ લોકોએ પણ મદદ કરી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ પોલીસે યુવતીને શોધીને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
કોર્ટ સમક્ષ હાજર થયેલી ૨૩ વર્ષની યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેને ગેરકાયદે ગોંધી રાખવામાં આવી નથી. તેણે દલીલ કરી કે તે પરિપક્વ છે અને પોતાનો ર્નિણય લેવા સક્ષમ છે. તે પોતાની મરજીથી પરિણીત પુરુષ સાથે રહે છે. તેનાં માતા-પિતા તેની યોગ્ય દરકાર રાખતા નથી, જ્યારે જે પુરુષ સાથે તે રહે છે તે તેની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. યુવતી જૂન મહિનામાં ઘરેથી રૂપિયા અને પોતાના ઓળખ પુરાવાલઈને નીકળી ગઈ હતી.
કોર્ટે યુવતીને આ સંબંધના પરિણામો વિશે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. કોર્ટે યુવતીને જણાવ્યું કે તે પુરુષ પહેલેથી જ પરિણીત છે, પત્ની-પુત્ર સાથે રહે છે અને ગમે ત્યારે આ સંબંધ તોડી શકે છે. જોકે, યુવતીએ પોતે બધું સમજીને ર્નિણય લીધો હોવાની દલીલ પર અડગ રહી. માતા-પિતા અને કોર્ટના સમજાવવા છતાં, યુવતીએ પરિણીત પુરુષ સાથે રહેવાની જીદ ન છોડતા, આખરે કોર્ટે તેને તેની મરજી મુજબ જવા આદેશ કર્યો,
જ્યારે કોર્ટે હેબિયસ કોર્પસની અરજીનો હુકમ કર્યો અને યુવતીને તેની મરજી મુજબ જવાની મંજૂરી આપી, ત્યારે યુવતી કોર્ટરૂમમાં હાજર તેના મોટી ઉંમરના પ્રેમી સાથે બહાર નીકળી હતી. આ દ્રશ્ય જોઈને તેના પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમના વકીલે તેમને શાંત રાખવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ, દીકરીએ કોર્ટરૂમમાં રડી રહેલા તેના પિતા તરફ એક નજર પણ પાછી વાળ્યા વગર કોર્ટની બહાર નીકળી ગઈ હતી. પુખ્ત વયની વ્યક્તિના પોતાના ર્નિણયના અધિકાર અને પારિવારિક સંબંધોની જટિલતા દર્શાવતો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે