Last Updated on by Sampurna Samachar
નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનો પ્રયાસ
બોર્ડિંગ પાસ પર નકલી સ્ટેમ્પ હોવાનું જાણવા મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં ૨૧ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સની ઇન્ટેલિજન્સ વિંગની સતર્કતા અને કુશળતાને કારણે એક મોટું કાવતરું નિષ્ફળ બન્યું છે. આ યુવતીઓ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી.

આ ઘટના દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ ૩ પર બની હતી. CISF ઇન્ટેલિજન્સ વિંગના એક પ્રોફાઇલરે બે યુવતીઓને એકબીજા સાથે હાવભાવ અને આંખોના ઇશારાથી વાતચીત કરતી જોઈ હતી. આ યુવતીઓ ખૂબ જ સાવચેતી સાથે એક બીજા સાથે વાત કરી રહી હતી, પરંતુ પ્રોફાઇલરને તેમની હરકતોમાં કંઈક શંકાસ્પદ લાગી હતી.
યુવતીઓને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી
આ જોતા, તેમણે તરત જ બ્યુરો ઓફ ઇમિગ્રેશનના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. આ યુવતીઓ એક મોટા ગ્રુપનો ભાગ હતી, જેમાં કુલ ૨૧ યુવતીઓ સામેલ હતી. આ બધી યુવતીઓ એકબીજાથી થોડે દૂર રહીને ચાલી રહી હતી અને ઇશારા દ્વારા એકબીજા સાથે વાત કરી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપવાનો હતો.
આ કેસમાં સૌથી પહેલા સજીના બશીર નામની યુવતીને પકડવામાં આવી હતી. તે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX -૧૬૩ દ્વારા મસ્કત જવાની તૈયારીમાં હતી. જ્યારે તેના બોર્ડિંગ પાસની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે, તેના પર લાગેલો “ઓકે ટૂ બોર્ડ” સ્ટેમ્પ નકલી હતો. આ પછી, CISF એ તેની સાથે સંપર્કમાં રહેલી અન્ય ૬ યુવતીઓના બોર્ડિંગ પાસની પણ તપાસ કરી હતી. અધિકારીઓને આ બધાના બોર્ડિંગ પાસ પર પણ નકલી સ્ટેમ્પ હોવાનું જાણવા મળ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓએ પણ આ સ્ટેમ્પ નકલી હોવાની પુષ્ટિ પણ કરી હતી. આ દરમિયાન, બાકીની ૧૫ યુવતીઓએ ધરપકડના ડરથી તેમના બોર્ડિંગ પાસને ફેંકી દીધા હતા. પરંતુ, ફ્લાઇટના પેસેન્જર મેનિફેસ્ટની મદદથી તેમની ઓળખ કરવામાં આવી, અને તમામ ૨૧ યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સજીના બશીરની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. તેણે જણાવ્યું કે, તેણે પોતાનો પાસપોર્ટ અને અન્ય પાંચ યુવતીઓના પાસપોર્ટ દિલ્હીના એક એજન્ટને આપ્યા હતા. આ એજન્ટે તેમના પર નકલી સ્ટેમ્પ લગાવ્યા હતા. આ ખુલાસાથી બાકીની ૧૫ યુવતીઓ ગભરાઈ ગઈ અને તેમણે તેમના બોર્ડિંગ પાસનો નાશ કરી દીધો હતો.
પરંતુ, CISF અને એરપોર્ટ સુરક્ષા ટીમે તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.તપાસમાં જાણવા મળ્યું કે, આ બધી યુવતીઓ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, જેથી તેઓ મસ્કત પહોંચી શકે. જોકે, તેમનો મસ્કત જવાનો હેતુ શું હતો અને તેઓ કોઈ મોટા રેકેટનો ભાગ હતી કે નહીં, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ ઘટના બાદ, એરપોર્ટ પોલીસે તમામ ૨૧ યુવતીઓ સામે છેતરપિંડી અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ FIR નોંધી છે. આ યુવતીઓને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. તેમના અસલ પાસપોર્ટ, નકલી સ્ટેમ્પવાળા બોર્ડિંગ પાસ, એર ઇન્ડિયા એક્સપ્રેસના “ઓકે ટૂ બોર્ડ” સ્ટેમ્પનો નમૂનો અને ફ્લાઇટ IX -૧૬૩ નું પેસેન્જર મેનિફેસ્ટ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
હવે પોલીસની તપાસ દિલ્હીના તે એજન્ટ પર કાર્યવાહી કરી રહી છે, જેણે નકલી સ્ટેમ્પ લગાવ્યા હતા. આ ઉપરાંત, તપાસ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે, શું આ ઘટના કોઈ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાગ છે.
આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી અને ની સતર્કતાને ફરી એકવાર સાબિત કરી છે. નકલી દસ્તાવેજાેનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. હવે આ કેસની વધુ તપાસ ચાલુ છે, અને આશા છે કે, આ રેકેટના પાછળના મુખ્ય સૂત્રધારોને પણ ઝડપી લેવામાં આવશે.