Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલ મોટો હુમલો કરે તેવો ફફડાટ
ગાઝામાં રહેતાં લોકો દક્ષિણ હિસ્સામાં જઈ આશરો લઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કતારમાં ૫૦ મુસ્લિમ દેશના નેતાઓ વચ્ચે બેઠક ચાલી. આ બેઠક વચ્ચે ઈઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાના ભયમાં આશરે ૨૦,૦૦૦ લોકોએ ગાઝામાંથી પલાયન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાના બિસ્તરાં-પોટલા બાંધી દેશ છોડી રહ્યા છે. કોઈ પગપાળા, તો કોઈ ગાડીમાં સામાન ભરી પલાયન કરી રહ્યા છે. ઈઝરાયલે ગાઝામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. તે હવે જમીન પરથી હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલે આજે સવારે કરેલા હુમલામાં ગાઝાના ૨૮ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના આ હુમલાઓના કારણે ગાઝામાં ભયનો માહોલ વધ્યો છે. વધુમાં નજીકના ભવિષ્યમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની કોઈ અપેક્ષા જોવા ન મળતાં ગાઝાવાસીઓ ભયભીત બન્યા છે. ઈઝરાયલે કતારમાં પણ હુમલો કરી દેતાં સ્થિતિ વધુ વણસી છે. વધુમાં ઈઝરાયલે ગાઝાવાસીઓને સ્થળ ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું હોવાથી મોટો હુમલો થવાનો ફફડાટ વધ્યો છે.
ઈઝરાયલ વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની વિચારણા
ઈઝરાયલ હમાસમાં એક-પછી-એક હુમલા કરી રહ્યું છે. ગાઝાના લોકો માટે ભોજન પ્રદાન કરતા કેમ્પને પણ નષ્ટ કર્યા છે. તેની આ અડોડાઈને ધ્યાનમાં લેતાં દોહામાં ઈઝરાયલ વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની વિચારણા થઈ રહી છે.
તદુપરાંત મુસ્લિમ દેશોની એકતા પણ આ મંચ પરથી વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ઈઝરાયલ ટસનું મસ થઈ રહ્યું નથી. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે, તે ગાઝામાં સક્રિય એક-એક આતંકવાદીનો ખાતમો બોલાવશે. ગાઝામાં રહેતાં લોકોને અહીંથી નીકળી જવા એલર્ટ આપ્યું છે.
ગાઝામાં કુલ ૧૦ લાખથી વધુ લોકો વસે છે. જેમાંથી ૨-૩ લાખ લોકોએ પલાયન કર્યું છે. ઈઝરાયલે ચેતાવણી આપી છે કે, ગાઝામાં રહેતાં લોકો દક્ષિણ હિસ્સામાં જઈ આશરો લઈ શકે છે. પરંતુ ત્યાં વસતાં તમામ લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. તેઓ કોઈપણ વિસ્તારને સુરક્ષિત માની રહ્યા નથી.
ઈઝરાયલે અપેક્ષાકૃત શાંતિપૂર્વ વિસ્તાર વેસ્ટ બેન્કમાં પણ હુમલાઓ વધાર્યા છે. તદુપરાંત વેસ્ટ બેન્કના તુબાસ, નાબલુસ અને ઉત્તરીય વેસ્ટ બેન્કમાં પણ હુમલા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે, એક બાજુ મુસ્લિમ દેશોની કતારમાં સમિટ ચાલી રહી છે, તો બીજી બાજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ઈઝરાયલમાં છે. તેમણે નેતન્યાહૂ સાથે આશરે ૩ કલાક બેઠક કરી હતી. એક ઈઝરાયલ અને ૫૦ દેશ નામની આ સમિટમાં નેતન્યાહૂ હાજરી આપવાના છે.