Last Updated on by Sampurna Samachar
કેટરિંગના બહાને માનવ તસ્કરી કાંડનો પર્દાફાશ
સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જાે રફીક શાહને પાંચ મહિનાથી ફરાર રહ્યા બાદ ઝડપી પાડઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કરતા લિંબાયત પોલીસે ૧૪ વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ વેચી દેવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર લાવ્યો છે. સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જાે રફીક શાહને પાંચ મહિનાથી ફરાર રહ્યા બાદ ઝડપી પાડવામાં આવી છે.

પોલીસ માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને કામની લાલચ આપીને લસકાણા લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સગીરાનો પ્રથમ સોદો ૫૦ હજાર રૂપિયામાં સોયેબ નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યો હતો. જાેકે, લસકાણામાં સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા આ સોદો રદ થયો હતો.
ત્રણ મહિના સુધી સહન કર્યો શારીરિક અને માનસિક અત્યાચાર
ત્યારબાદ, સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે લઈ જઈ એક હિન્દુ યુવક સાથે ૨ લાખ રૂપિયામાં પરણાવી દેવામાં આવી હતી. સોલાપુરમાં ત્રણ મહિના સુધી યૌન શોષણ. સોલાપુરમાં સગીરાને ત્રણ મહિના સુધી શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકની બહેને માનવતા દાખવી સગીરાને તેની માતા સાથે વાત કરાવી હતી.
માતા સાથે વાત થતા જ યુવક ગભરાઈ ગયો અને સગીરાને સુરત પરત મોકલી દીધી હતી.સુરત પરત આવ્યા બાદ સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવી હતી. ત્યારબાદ ૨૫મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ગુનો નોંધાયો હતો. લિંબાયત પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ પહેલા જ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ કરવામાં આવી હતી.
હવે પાંચ મહિનાથી ફરાર રહેલી મુખ્ય આરોપી ફરજાના ઉર્ફે ફજ્જાે રફીક શાહને પાનોલી ખાતે દરોડો પાડી ઝડપી લેવામાં આવી છે.
પોલીસે ફરજાનાને આશરો આપનાર તેના દિયર આરીફ યુનુશ શાહની પણ ધરપકડ કરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.કે. કામળિયા અને સબ ઈન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીની આગેવાનીમાં સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નાબાલિક બાળકોને કામ અથવા લગ્નની લાલચ આપતી શંકાસ્પદ વ્યક્તિઓ વિશે તાત્કાલિક જાણ કરવી. માનવ તસ્કરી જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના સુરતમાં માનવ તસ્કરીના જાળને લઈને ગંભીર ચિંતા ઉભી કરે છે. પોલીસ તપાસ આગળ વધતા વધુ ખુલાસા થવાની શક્યતા છે.