Last Updated on by Sampurna Samachar
૪૮.૬ લાખ કર્મચારીઓ અને ૬૬.૫ લાખ પેન્શનર્સને ફાયદો થશે
આ ચૂકવણી એપ્રિલમાં થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી પોતાના મોંઘવારી ભથ્થાની સાથે તેનું એરિયર પણ મળી જશે. ૩ મહિનાની બાકી રકમ એક સાથે રિલીઝ કરાશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે હાલમાં જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રિવાઈઝ કર્યું છે. આ વખતે તેમના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો ઉછાળો આવ્યો છે.
૧ જાન્યુઆરી ૨૦૨૫ થી તેમનું મોંઘવારી ભથ્થું ૫૩ ટકાથી વધીને ૫૫ ટકા થયું છે. જોકે ૨ ટકાનો વધારો ગત ૭ વર્ષમાં સૌથી ઓછો છે. આ સાથે જ આ વખતે સરકારે તેને માર્ચના અંતમાં મંજૂરી આપી દીધી. આથી તેની ચૂકવણી એપ્રિલમાં થશે. તેનાથી કેન્દ્ર સરકારના લગભગ ૪૮.૬ લાખ કર્મચારીઓ અને ૬૬.૫ લાખ પેન્શનર્સને ફાયદો થશે. સરકાર પર વધારાથી ૬,૬૧૪ કરોડનો વાર્ષિક બોજો પડશે.
દર મહિને ૩૬૦ રૂપિયાનો ફાયદો થયો
નવું મોંઘવારી ભથ્થું (DA) તો ૧ જાન્યુઆરી ૨૦૨૫થી લાગૂ થશે પણ ચૂકવણી એપ્રિલમાં થશે. જોકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ૨૦૨૫ની બાકી રકમ પણ કર્મચારીઓને મળશે. જે કર્મચારીઓનો બેઝિક સેલરી ૧૮,૦૦૦ છે તેમને દર મહિને ૩૬૦ રૂપિયાનો ફાયદો થયો છે.
આ રીતે જોઈએ તો ત્રણ મહિનાનું તેમનું કુલ એરિયર ૧૦૮૦ થશે. તેની ચૂકવણી પણ એપ્રિલના પગાર સાથે થશે. જ્યારે પેન્શનર્સ કે જેમનો બેઝિક પેન્શન ૯,૦૦૦ હોય તેમને દર મહિને ૧૮૦ નો ફાયદો થયો છે અને ત્રણ મહિનાની બાકી રકમ તરીકે તેમને ૫૪૦ રૂપિયા મળશે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજીવાર જુલાઈમાં. હવે આગામી વધારો જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૫માં થશે. જેની જાહેરાત સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં થશે.
ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર્સ પ્રાઈમ ઈન્ડેક્સ (CPI-IW ) મુજબ જાન્યુઆરી ૨૦૨૫થી DA\DR વધ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪માં AICPI – IW નો નંબર ૧૪૩.૭ અંક પર રહ્યું હતું. જેનાથી DA ની ગણતરી ૫૫.૯૮% પર પહોંચી હતી. પરંતુ સરકારી નિયમો મુજબ ડેસિમલ બાદની સંખ્યાને મોંઘવારી થ્થા સાથે જાેડાતો નથી એટલે તે ૫૫% સુધી રાખવામાં આવ્યું.
ગત કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થું ૩ કે ૪ ટકાના દરે વધ્યું છે. પરંતુ ૭૮ મહિના (સાડા ૬ વર્ષ)માં પહેલીવાર એવું બન્યું છે કે DA માં ફક્ત ૨%નો વધારો કરવામાં આવ્યો. તે પહેલા વર્ષ ૨૦૧૮માં ૨ ટકાના દરે મોંઘવારી ભથ્થું વધ્યું હતું. ત્યારબાદથી સતત ૩ કે ૪ ટકા જ વધારો જોવા મળ્યો. નવા પે કમિશન લાગૂ થતા પહેલા મોંઘવારી ભથ્થામાં જેટલો ગ્રોથ થશે તેટલો કર્મચારીઓને ફાયદો થશે. પરંતુ હાલમાં જ આઠમાં પગાર પંચની જાહેરાત થઈ અને જાહેરાત પછી તરત ફક્ત ૨ ટકા મોંઘવારી ભથ્થું વધવું એ કર્મચારીઓને કઈ યોગ્ય લાગ્યું નથી.
આઠમાં પગાર પંચના લાગૂ થયા થતા મોંઘવારી ભથ્થાની ગણતરી એકવાર ફરીથી બદલાઈ શકે છે. ચર્ચા છે કે ડીએને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. તેનાથી સેલરનું સ્ટ્રક્ચર ફરીથી સેટ થશે અને DA શૂન્યથી ફરીથી શરૂ થશે. પરંતુ આ સંપૂર્ણ રીતે પેનલની ભલામણો પર ર્નિભર રહેશે. સૂત્રોનું માનીએ તો સરકાર જ્યારે આઠમા પગાર પંચને લાગૂ કરશે ત્યારે મોંઘવારી ભથ્થાની ગણતરી માટે તેનું બેસ યર પણ બદલાઈ શકે છે. તેનાથી પણ મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ થશે.