Last Updated on by Sampurna Samachar
દિવ્યાને ઇનામ તરીકે લગભગ ૪૩ લાખ રૂપિયા મળશે
મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટમાં પ્રવેશ નિશ્વિત બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવ્યા દેશમુખ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. ૧૯ વર્ષીય યુવા ખેલાડીએ ભારતની કોનેરુ હમ્પીને હરાવીને Chess World Cup નો ખિતાબ જીત્યો છે. દિવ્યા દેશમુખએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ સેમિફાઇનલમાં ચીનની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ઝોંગયી ટૈનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે આગામી વર્ષે મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટમાં તેણીનો પ્રવેશ પણ નિશ્ચિત થઈ ગયો હતો.
આ શાનદાર જીત સાથે દિવ્યા દેશમુખ ભારતની ૮૮ મી ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે. ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ ચેસની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે અને તે પ્રાપ્ત કરવું એ કોઈપણ ખેલાડીના કારકિર્દીમાં સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. આ જીત પછી, દિવ્યાને ઇનામ તરીકે લગભગ ૪૩ લાખ રૂપિયા મળશે. હમ્પીને લગભગ ૩૦ લાખ રૂપિયા મળશે.
ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર બની દિવ્યા
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના ફાઇનલમાં બે ભારતીય ચેસ ખેલાડીઓ પહેલી વાર આમને-સામને આવી છે. બંને ખેલાડીઓ હવે ૨૦૨૬ માં યોજાનારી મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, ૮ ખેલાડીઓની ઉમેદવારો ટુર્નામેન્ટ આગામી વિશ્વ મહિલા ચેમ્પિયનશિપ મેચમાં ચીનની ગત વિશ્વ ચેમ્પિયન જુ વેનજુનના પ્રતિસ્પર્ધીનો ર્નિણય કરશે.
દિવ્યા દેશમુખે આ ટુર્નામેન્ટમાં ઘણા અપસેટ સર્જ્યા છે. તેણીએ બીજા ક્રમાંકિત જીનર ઝુ (ચીન) ને હરાવી. પછી તેણીએ ભારતની ડી. હરિકાને હરાવી અને સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ટૈન ઝોંગયીને હરાવી. આ ફાઇનલ ફક્ત દિવ્યાની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે દર્શાવે છે કે ભારતીય મહિલા ચેસ હવે વિશ્વ મંચ પર નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. આ એક એવી મેચ હતી જ્યાં અનુભવ અને યુવાની, હિંમત અને વ્યૂહરચના સામસામે હતી.
દિવ્યા માત્ર વિશ્વ ચેમ્પિયન જ નહીં, પણ ભારતની ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની. ગ્રાન્ડમાસ્ટર (GM) બનવા માટે, સામાન્ય રીતે ત્રણ ગ્રાન્ડમાસ્ટર ધોરણો અને ૨૫૦૦+ FIDE રેટિંગ જરૂરી છે. પરંતુ કેટલીક ખાસ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતવા પર ખેલાડીને સીધો ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ આપવામાં આવે છે અને FIDE મહિલા વર્લ્ડ કપ તેમાંથી એક છે.