Last Updated on by Sampurna Samachar
દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓની માંગ
ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા સચવાઇ ન રહી હોવાની લોકોમાં રાવ ઉઠી છે. ત્યારે આ વચ્ચે સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં ૧૭ વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાના પડઘા એટલા ઉગ્ર પડ્યા છે કે, યુવકની હત્યાના બાદ મહિલાઓએ રણચંડી બનીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ મહિલાઓએ કાપોદ્રા જ નહીં, સમગ્ર સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની તેમજ હત્યારાને ફાંસી આપવાની માંગ કરી હતી. ૪૦૦-૫૦૦ મહિલાના ટોળાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બની ગયો હતો.
૫૦૦ થી વધુ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
સમગ્ર મામલે DCP આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને ૧૫ દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. ૫૦૦થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે સ્ટેશનના દરવાજાને લોક મારી દીધું હતું અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવ્યા હતા.
અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પોલીસે પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી. આરોપીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. પોલીસ કડક કાર્યવાહી કરે છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં નશાખોરો અને અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી વધી રહી છે.