Last Updated on by Sampurna Samachar
શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ!
ભારતીય ધ્વજ ધરાવતું જહાજ જગ વિક્રમ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષાના મોરચે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, ત્યાંથી ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ ૧૬ જહાજોએ આ માર્ગ પાર કર્યો છે, જે વૈશ્વિક બજાર માટે હકારાત્મક સંકેત છે.

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ ધરાવતું જહાજ જગ વિક્રમ, જેમાં ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર છે, તે ૧૧મી એપ્રિલના રોજ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે. આ જહાજ શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને હવે ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે.
વાણિજ્યિક એકમો માટે LPG સપ્લાયમાં કાપ મૂક્યો
‘જગ વિક્રમ’ એક મધ્યમ કદનું ગેસ કેરિયર છે જે આશરે ૨૦,૦૦૦ ટન LPG(રાંધણ ગેસ) વહન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં LPG પુરવઠા અંગે જે ચિંતા હતી તે આ સફળતાથી થોડી હળવી થશે. અગાઉ સરકારે સાવચેતીના પગલે હોટલ અને રેસ્ટોરાં જેવા વાણિજ્યિક એકમો માટે LPG સપ્લાયમાં કાપ મૂક્યો હતો, જે હવે ક્રમશ: પૂર્વવત થવાની આશા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામના અમલ બાદ આ માર્ગને આંશિક રીતે ખોલવામાં આવ્યો છે. વિશ્વનું આશરે ૨૦% તેલ અને મોટાભાગનો ગેસ આ જ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.
ભારત તેના ૯૦% ક્રૂડ ઓઈલ, ૫૦% કુદરતી ગેસ અને ૬૦% LPG માટે આયાત પર ર્નિભર છે, જેનો મોટો હિસ્સો આ જ રસ્તેથી આવે છે. જો કે, યુએસ-ઈરાન શાંતિ મંત્રણાના પરિણામો હજુ અનિશ્ચિત છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની નિયમિત અવરજવર શરૂ થવી એ ભારતીય રસોડા અને અર્થતંત્ર બંને માટે અત્યંત આશાસ્પદ સમાચાર છે.