Last Updated on by Sampurna Samachar
૬ લોકોને સ્થાનિકો અને બચાવ દળે સુરક્ષિત બચાવ્યા
આ દુર્ઘટનામાં અનેક લોકો હજુ પણ ગુમ હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વની સૌથી લાંબી નદી એવી નાઈલ નદીમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાઇ છે. માહિતી અનુસાર સુદાનમાં મુસાફરોથી ભરેલી એક હોડી નદીના પ્રચંડ પ્રવાહમાં પલટી જતાં ૧૫ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના સુદાનના ઉત્તરી પ્રાંતમાં બની હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે ૨૭ જેટલા મુસાફરો સવાર હતા. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ હતા. નદીની વચ્ચે પહોંચતા જ હોડીએ અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને જાેતજાેતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કિનારે ઉભેલા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો હતો.
૬ લોકો નદીના વહેણમાં વહી ગયા
‘સુદાન ડોક્ટર્સ નેટવર્ક’ ના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૧૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ૬ લોકોને સ્થાનિકો અને બચાવ દળની મદદથી સુરક્ષિત બચાવી લેવાયા છે. જો કે હજી પણ ૬ લોકો નદીના વહેણમાં વહી ગયા છે, જેની શોધખોળ ચાલુ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જો આધુનિક બચાવ ઉપકરણો સમયસર ઉપલબ્ધ હોત, તો વધુ લોકોના જીવ બચાવી શકાયા હોત.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હોડીમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો અને સામાન ભરવામાં આવ્યો હતો. સુદાનમાં નદી માર્ગે મુસાફરી સામાન્ય છે. પરંતુ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન પણ એટલું જ સામાન્ય બની ગયું છે. લાઈફ જેકેટનો અભાવ, દેખરેખની ઉણપ અને ઓવરલોડિંગ આવી દુર્ઘટનાઓની પાછળનાં મુખ્ય કારણ હોય છે.