Last Updated on by Sampurna Samachar
દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના કેસોમાં વધારો
મીઠાપુરમાં સૌથી વધુ અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે જળજન્ય રોગચાળાએ માથું ઊંચકયું છે. જામનગર જિલ્લામાં કોલેરાના કેસોએ ચિંતા વધારી છે, ત્યારે હવે પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકામાં પણ ટાઇફોઇડના કેસોમાં ઉછાળો જાેવા મળ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મીઠાપુરમાં ટાઇફોઇડના કેસોની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ટાઇફોઇડના કુલ ૧૩ પોઝિટિવ એક્ટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટાઇફોઇડ એ દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો ગંભીર રોગ હોવાથી, આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ તેજ કરવામાં આવી છે. મીઠાપુર વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.
જનતાને ઉકાળેલું પાણી પીવા અને તાજો ખોરાક લેવા માટે અપીલ
એક તરફ કોલેરા અને બીજી તરફ ટાઇફોઇડના ખતરાને જોતા જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી દવાઓ અને સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જનતાને ઉકાળેલું પાણી પીવા અને તાજો ખોરાક લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીના સ્ત્રોતોનું ટેસ્ટિંગ અને ક્લોરિનેશનની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે. જાે કોઈ પણ વ્યક્તિને સતત તાવ, માથાનો દુખાવો કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.