Last Updated on by Sampurna Samachar
કરાચીમાં પાકિસ્તાનીઓનો US દૂતાવાસ પર હુમલો
આયાતુલ્લાહ અલી ખામેનીના મોતના સમાચાર બાદ કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના કરાચીમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટોળાએ યુએસ એમ્બેસીના પરિસરમાં આગ લગાવી અને તોડફોડ કરી હકી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોતના સમાચાર બાદ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને યુએસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

કરાચીમાં ઈરાન હુમલાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ યુએસ દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ વધુ વણસી જતાં યુએસ દૂતાવાસમાં તૈનાત યુએસ લશ્કરી કર્મચારીઓએ ભીડને વિખેરવા માટે ગોળીબાર કર્યો, જેના કારણે ૧૨ લોકોનાં મોત થયા હતા.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ
પરિસ્થિતિ વધુ વણસી જતાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ભીડને વિખેરવા કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટના બાદ સમગ્ર પ્રદેશમાં સતર્કતા વધારવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા કરાચીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઝાદ ખાન પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.