Last Updated on by Sampurna Samachar
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ આપી માહિતી
વિમાન આગની જ્વાળામાં લપેટાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્યામાં એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ૧૨ થી વધુ લોકોના મોતની આશંકા છે. કેન્યાના દરિયાકાંઠાના પ્રદેશ ક્વાલેમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કેન્યાના અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી જાહેર કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા નેશનલ રિઝર્વના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માત ડાયાની એરસ્ટ્રીપથી લગભગ ૪૦ કિલોમીટર દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો.
અકસ્માતની તપાસ ચાલુ
ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેની વધુ વિગતો પછી જાહેર કરવામાં આવશે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં ૧૨ લોકો સવાર હતા અને અધિકારીઓ પ્લેન ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું અને આગના જ્વાળામાં લપેટાયું હતું. ઘટનાસ્થળે ખરાબ રીતે બળી ગયેલો કાટમાળ જ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, વિમાન ક્રેશ થયું છે, ઘટનાસ્થળે માત્ર કાટમાળ અને માનવ અવશેષો વિખેરાયા હતા.
મોમ્બાસા એર સફારી નામની એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તે નાગરિક ઉડ્ડયન સત્તાધીશો સાથે સહયોગ કરી રહી છે અને અકસ્માત અંગેની નવીનતમ માહિતી ઓથોરિટી દ્વારા રજૂ કરશે. મસાઇ મારા રિઝર્વ રાષ્ટ્રીય અભ્યારણ્ય એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને તાંઝાનિયાના સેરેનગેટીમાંથી દરવર્ષે વાઈલ્ડ બીસ્ટનો પ્રવાસ યોજાય છે.
કેન્યા એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે. જેમાં એન્જિન ફેઈલ થવાની, હવામાન અથવા પાઇલટની ભૂલ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ક્વાલે કાઉન્ટી કમિશનરે કહ્યું, આજે અમારા માટે ખૂબ જ દુ:ખદ દિવસ છે. પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
 
				 
								