Last Updated on by Sampurna Samachar
રિક્ષામાં પેસેન્જર બની બેસતી અને કટરથી ઘરેણાં ચોરતી ગેંગ ઝડપાઈ
આ ટોળકીમાં પાલીતાણાથી આવેલો શંકર નામનો શખ્સ પણ મુખ્ય ભૂમિકા ભજવતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના દાગીના ચોરતી એક ખતરનાક ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે શહેરના પોશ વિસ્તારોમાં આચરલા ૧૪ જેટલા ગુનાઓની કબૂલાત કરી છે.

આ ગેંગ અત્યંત સાતરી રીતે ચોરીને અંજામ આપતી હતી. ગેંગની સભ્ય ગૌરી નામની યુવતી પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકને સાથે રાખી રિક્ષામાં બેસતી હતી.રિક્ષામાં જગ્યા કરવાના બહાને તે વૃદ્ધ મહિલાઓની નજીક જતી અને તેમની નજર ચૂકવી દેતી હતી.
સોનાની ચેન કે અન્ય કિંમતી ઘરેણાં કાપી લેતા
આ દરમિયાન ગેંગના અન્ય સાગરીતો કટરનો ઉપયોગ કરીને મહિલાઓના ગળામાંથી સોનાની ચેન કે અન્ય કિંમતી ઘરેણાં કાપી લેતા હતા. આ ટોળકીમાં પાલીતાણાથી આવેલો શંકર નામનો શખ્સ પણ મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે સુરતના જહાંગીરપુરા, પાલ અને અડાજણ જેવા વિસ્તારોમાં અનેક મહિલાઓને શિકાર બનાવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૪ જેટલી ચોરીની ઘટનાઓ કબૂલી છે.પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા કુલ ૧૨.૫ લાખ રૂપિયાના સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે.