Last Updated on by Sampurna Samachar
છેલ્લા પાંચ વર્ષમાં ૨૫ લોકોને ફાંસીની મળી સજા
વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વિદેશમાં ૧૦,૧૫૨ ભારતીય નાગરિકો વિદેશની જેલોમાં ટ્રાયલ હેઠળ છે અથવા તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણ એમ પણ જણાવ્યું હતું કે આમાંથી ૪૯ એવા નાગરિકો છે જે વિદેશમાં ફાંસી થવાની રાહ જોઇ રહ્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં દોષિત અને મૃત્યુદંડની સજા પામેલા લોકોની સંખ્યા ૨૫ છે, પરંતુ તે ર્નિણય હજુ સુધી અમલમાં આવ્યો નથી એટલે કે આ લોકો ફાંસીની રાહ જોઇ રહ્યા છે.

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના રાજયસભા સાંસદ અબ્દુલ વહાબ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ રાજય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આ આંકડા આપ્યા હતા. વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે શું ઘણા ભારતીય વર્ષોથી વિદેશની જેલમાં છે ? વિદેશોમાં મૃત્યુદંડની રાહ જોઇ રહેલા ભારતીયોની વિગતો પણ પૂછવામાં આવી હતી અને તેમના જીવન બચાવવા માટે ભારત (BHARAT) સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવ્યા છે.
UAE એ સત્તાવાર રીતે ફાંસીની સંખ્યા જાહેર નથી
મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલમાં વિદેશી જેલોમાં અંડરટ્રાયલ સહિત ભારતીય કેદીઓની સંખ્યા ૧૦,૧૫૨ છે. મંત્રીએ કહ્યું સરકાર વિદેશી જેલોમાં બંધ ભારતીય નાગરિકોની સુરક્ષા, સંરક્ષા અને કલ્યાણને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. સિંહે આઠ દેશો સાથે સંબંધિત સારણીબદ્ઘ આંકડા શેર કયા અને મૃત્યુદંડ આપવામાં આવેલા ભારતીય નાગરિકોની સંખ્યા પણ આપી.પરંતુ હજુ સુધી ર્નિણયનો અમલ થયો નથી.
મંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે ઉપલબ્ધ ડેટા મુજબ, યુએઇમાં ૨૫, સાઉદી અરેબિયામાં ૧૧, મલેશિયામાં ૬, કુવૈતમાં ૩ અને ઇન્ડોનેશિયા, કતાર, યુએસએ અને યમનમાં ૧-૧ ભારતીય એટલે કે કુલ ૪૯ ભારતીયો ને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે અને તેઓ તેના અમલની રાહ જોઇ રહ્યા છે. મંત્રી દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમીરાતએ દેશોમાં સૌથી આગળ છે જયાં સૌથી વધુ ભારતીયો કેદ છે. જયાં અનુક્રમે ૨,૬૩૩ અને ૨,૫૧૮ કેદીઓ જેલમાં બંધ છે. આ પછી નેપાળમાં ૧,૩૧૭, કતારમાં ૬૧૧, કુવૈતમાં ૩૮૭, મલેશિયામાં ૩૩૬, પાકિસ્તાનમાં ૨૬૬, ચીનમાં ૧૭૬, અમેરિકામાં ૧૬૯, ઓમાનમાં ૧૪૮ અને રશિયા અને મ્યાનમારમાં ૨૭-૨૭ ભારતીય નાગરિકો કેદ છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન કુવૈતે ૨૦૨૦ થી અત્યાર સુધી ૨૫ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા આપી છે. સાઉદી અરેબિયામાં નવ ભારતીય નાગરિકોને, ઝિમ્બાબ્વેમાં સાત, મલેશિયામાં પાંચ અને જમૈકામાં એકને મૃત્યુદંડ સજા આપવામાં આવી છે.
UAE એ સત્તાવાર રીતે ફાંસીની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ બિનસત્તાવાર અહેવાલો સૂચવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં કોઇ ભારતીય નાગરિકને ફાંસી આપવામાં આવી નથી. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે ધ્યાન દોર્યુ હતું કે કેવી રીતે ગયા મહિને યુએઇ દ્વારા ત્રણ ભારતીય નાગરિકો ફાંસી આપવામાં આવી છે. જેમાં યુપીની શહેઝાદી ખાનનો પણ સમાવેશ થાય છે, જેના પર બાળકની હત્યાનો આરોપ હતો.