મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું ચુંટણી વચ્ચે મોટું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહાયુતિની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પરંતુ એ પણ નિશ્ચિત છે કે CM મહાયુતિના જ હશે.’ શિંદેએ અજિત પવારને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. અજિત પવાર અંગે શિંદેએ કહ્યું કે તેઓ મહાયુતિ ગઠબંધનમાં નબળી કડી સાબિત થશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં રાહુલ ગાંધીને ચેલેન્જ કરતા કહ્યું હતું કે તેઓ બાલાસાહેબ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહે. આ જ બાબત પર CM એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી બાલા સાહેબ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહીને બતાવો. અમે બાલાસાહેબ ઠાકરેના સૈનિક છીએ.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધતા કહ્યું કે જો બાલાસાહેબ ત્યાં હોત તો તેમણે ઉદ્ધવને જંગલમાં જઈને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરવાનું કહ્યું હોત.’ એકનાથ શિંદેએ વધુમાં કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરેએ બાલાસાહેબના વિચારો છોડી દીધા છે અને શિવસેનાનું ધનુષ અને તીર કોંગ્રેસના ગળામાં બાંધી દીધું છે. બાલાસાહેબને બદનામ કરનાર કોંગ્રેસની સાથે તેમણે હાથ મિલાવ્યો છે.’ એકનાથ શિંદેએ કહ્યું કે, ‘ઉદ્ધવ ઠાકરે પોતે માત્ર સ્વાર્થ અને મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા.
ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે અમારા વિના સરકાર નહીં બને. ઉદ્ધવ ઠાકરેએ ભાજપની પીઠ પાછળ વાર કર્યો હતો. અમે રૂલીંગ પાર્ટી છોડીને ૫૦ લોકોને અમારી સાથે લઈ ગયા હતા, આ એક સાહસિક કામ હતું. અમે સ્પષ્ટ કહ્યું કે અમે ભાજપ સાથે ચૂંટણી લડ્યા છીએ અને જીત્યા છીએ, તેથી તેમની સાથે સરકાર પણ બનાવવી જોઈએ, પરંતુ એવું થયું નહીં.’