ATF ના ભાવ વધારાને લીધે એરલાઇન્સને મોટો ઝટકો
હવાઈ મુસાફરીના ભાડાની કિંમતોમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એરલાઇન્સને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યૂલ એટલે ATF નો ભાવ વધારી દીધો છે. જેનાથી હવે એરલાઇન્સના પણ ભાડામાં વધારો કરી શકે છે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. તેલ કંપનીઓએ એટીએફની કિંમતને ૧૩,૧૮૧.૨ રૂપિયા પ્રતિ કિલોલીટર વધારી દીધી છે. તેનાથી દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમત ૯૧,૮૫૬.૮૪ રૂપિયા પ્રતિ કિલોલીટર સુધી વધારી દીધી છે. આ સિવાય કોલકાતામાં ATF ૯૪,૫૫૧.૬૩ રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં ૮૫,૮૬૧.૦૨ પ્રતિ કિલોલીટર અને ચેન્નઈમાં ૯૫,૨૩૧.૪૯ પ્રતિ કિલોલીટર મળી રહ્યું છે.
ડિસેમ્બર સતત બીજો મહિનો છે, જ્યારે સરકારી તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમતોમાં વધારો કર્યો છે. ગત મહિને પણ ATF ની કિંમત ૨,૯૪૧.૫ રૂપિયા પ્રતિ કિલોલીટર વધારવામાં આવી હતી. તેનાથી એરલાઇન્સનો સંચાલન ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, ATF મોંઘુ થવાથી એરલાઇન્સ હવાઈ મુસાફરીના ભાડાની કિંમતોમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરી શકે છે. એવામાં મુસાફોને મોંઘી ટિકિટ ખરીદવી પડી શકે છે. ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાથી ATF ની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ફ્યૂલનો ખર્ચ એરલાઇન્સના કુલ ખર્ચનો આશરે ૪૦ ટકા ભાગ હોય છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આજે પણ કોઈ બદલાવ નથી થયો. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ ૯૪.૭૭ રૂપિયા લીટર પર વેચાઈ રહ્યું છે. આ સિવાય પટનામાં ૧૦૫.૫૮ રૂપિયે પ્રતિ લીટર અને ચંદીગઢમાં પેટ્રોલ ૯૪.૩૦ રૂપયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. ડિઝલની વાત કરીએ તો તે દિલ્હીમાં ૮૭.૬૪ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. આ સિવાય ડિઝલ પટનામાં ૯૨.૪૨ રૂપિયા પ્રતિ લીટર અને ચંદીગઢમાં ૮૨.૪૫ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.