Last Updated on by Sampurna Samachar
ડિંડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા પ્રચંડ ધડાકો
આશાદેવી કાપર અને તેમના ૨ બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગના કારોબારે વધુ એક નિર્દોષ પરિવારનોભોગ લીધો છે. ડિંડોલીમાં ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા ગેસ લીકેજ અને ત્યારબાદ સર્જાયેલા પ્રચંડ ધડાકામાં બે માસૂમ બાળકો અને તેમની માતા સહિત કુલ ૪ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ડિંડોલીમાં પવન ખટીક નામનો શખ્સ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામકરી રહ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ગેસ લીકેજ થયો હતો. ગેસની ગંધ ફેલાયેલી હોવા છતાં અજાણતામાં જેવી લાઈટની સ્વિચ પાડવામાં આવી, કે તુરંત જ સ્પાર્ક થતા ગેસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.
દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા
આ દુર્ઘટનામાં રિફિલિંગ કરનાર પવન ખટીક પોતે પણ દાઝ્યો છે, પરંતુ સૌથી વધુ અસર નિર્દોષ પરિવારને થઈ છે. દાઝી ગયેલા લોકોમાં આશાદેવી કાપર (૩૦ વર્ષ), માધુરી(૭ વર્ષની પુત્રી), દિવ્યાંશ (૩ વર્ષનો પુત્ર) અને પવન ખટીક (આરોપી)નો સમાવેશ થાય છે. માતા અને બંનેબાળકોને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુકહોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપી પવન ખટીક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ કરૂણ ઘટનામાં એક રાહતના સમાચાર એ રહ્યા કે, પરિવારના અન્ય બે બાળકો તે સમયે ઘરે હાજર નહોતા. તેઓ ટ્યુશન ગયા હોવાથી આ ભયાનક દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા. જો તેઓ ઘરે હોત તો જાનહાનિનો આંકડો વધી શક્યો હોત. ડિંડોલી પોલીસે આ મામલે ગેરકાયદે પ્રવૃત્તિ અને બેદરકારીનો ગુનોનોંધી આરોપી પવન ખટીક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.