તાવ અને ઝાડા ઉલ્ટીથી એક બાળકી સહિત ૨ના મોત નોધાયા
ડિગ્રી વગરના ડોક્ટર પાસે સારવાર કરાવવાથી ગંભીર પરિણામ આવે : મેડિકલ ઓફિસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો છે. તાવ અને ઝાડા ઉલ્ટીથી એક બાળકી સહિત ૨ના મોત થયા છે. અમરોલીની બાળકી અને અલથાણના યુવકનું મોત થયું છે. બાળકીને તાવ આવ્યા બાદ ઉલ્ટી થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. રવિવારે મોડી સાંજે વધુ તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવકની રવિવારે ઝાડા થયા બાદ ૧૦૮ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ૪૮ વર્ષીય શૈલેષ રાઠોડનું મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
સુરત શહેરમાં ફરી એક વખત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે બે લોકો મોતને ભેટ્યા છે. જેમાં અમરોલી વિસ્તારમાં રહેતા શ્યામલાલની એક વર્ષીય પુત્રી પ્રીતિને તાવ આવ્યા બાદ ઉલ્ટીઓ થતા સૌપ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
તેવી જ રીતે અલથાણ વિસ્તારમાં ૪૨ વર્ષે શૈલેષ બચુભાઈ રાઠોડને રવિવારના રોજ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શૈલેષ રાઠોડની ઝાડા થયા બાદ તબિયત વધુ લથડી હતી. જે બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાં કેસબારી અને OPD બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. એક રીતે શહેરમાં રોગચાળાએ ફરી માથું ઉંચકતા તંત્ર કામે લાગ્યું છે. ઓક્ટોબર અને હાલ ચાલી રહેલા નવેમ્બર મહિના દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા રોગોના આંકડા પર નજર કરવામાં આવે તો, ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના ૪૪૩ કેસ, તાવના ૨૨૬, ગેસ્ટ્રોના ૯૬, કોલેરાનો ૦૧, મેલેરિયાના ૩૬૭ નોંધાયા છે. જ્યારે નવેમ્બર માસમાં ડેન્ગ્યુનો ૮૧, તાવના ૧૧૩, ગેસ્ટ્રો ના ૫૧, કોલેરા ના ૦૦, મેલેરિયાના ૩૨ કેસ નોંધાઈ ચૂક્યા છે.
રોગચાળા અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર કેતન નાયકે જણાવ્યું હતું કે, અમરોલીની ૧ વર્ષની બાળકી અને અલથાણના ૪૨ વર્ષીય યુવકનું ઝાડા ઉલટીમાં મોત થયું છે. બંનેને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત બંનેના મોત નિપજ્યા હતા. ઓક્ટોબર માસની સરખામણીએ ચાલુ માસ દરમિયાન રોગચાળાના કેસોમાં મોટો ઘટાડો થયો છે. સુરતમાં ઝોલાછાપ ડોક્ટર પાસે સારવાર નહીં લેવી જોઈએ. દર્દીઓ છેલ્લી ઘડીએ ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલ આવે છે. જેમને બચાવવા મુશ્કેલ બને છે અને મોતને ભેટે છે. ડિગ્રી ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર કરાવવી જોઈએ. ડિગ્રી વગરના ડોક્ટર પાસે સારવાર કરાવવાથી ગંભીર પરિણામ આવે છે.