ઓછી થવાની જગ્યાએ વધી રહી છે મુશ્કેલી
લોકો કામધંધા મૂકી લાંબી લાઈનોમાં લાગ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ સમગ્ર રાજ્યમાં રાશન કાર્ડની KYC ની મગજમારી ચાલી રહી છે. સરકારે KYC ફરજિયાત કરતાં હવે સેન્ટરો પર લાંબી લાઈનો લાગેલી છે. જ્યાં KYC કરાવવાની અંતિમ તારીખ આવી જતાં હવે લાઈનો વધવા લાગી છે. ક્યાંક આધાર કાર્ડ અપડેટ માટે પણ લોકો લાઈનોમાં છે. લાઈનો ઓછી થઈ રહી નથી, મુશ્કેલી ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. પણ સરકાર કે સરકારી તંત્ર એવું કોઈ કામ નથી કરતું કે જેનાથી લોકોને રાહત મળે..
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં KYC નો એવો કકળાટ ચાલી રહ્યો છે કે લોકો કંટાળી ગયા છે. કોઈનું થાય છે, તો કોઈનું KYC થતું નથી.જેના કારણે લોકોમાં રોષ છે. કલાકો નહીં એક-બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન નથી આવતું…જો સમાધાન નજીક હોય ત્યારે સરકારનું સર્વર ડાઉન થઈ જાય છે. એટલે કે ફરી લાઈનમાં ઉભું રહેવું પડે છે. તેમાં પણ પાછો નંબર આવ્યો તો આવ્યો નહીં તો હરી હરી.
હવે વડોદરામાં સ્થિતિ જોઈએ તો લોકો રાશનકાર્ડમાં KYC અને આધાર કાર્ડમાં અપડેટ માટે લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે.કારણ કે લાઈનમાં ઉભા રહેલા લોકો જે બિલ્ડીંમાં ઉભા છે તે જર્જરિત છે. ખખડી ગયેલા બિલ્ડીંગમાં લોકો રાશન મળે તે માટે KYC ની માથાકૂટમાં લાગેલા છે. વડોદરાની જૂની જિલ્લા કલેક્ટર કચેરી બિસ્માર સ્થિતિમાં છે. બિલ્ડીંગ તુટેલી ફુટેલી હોવા છતાં પુરવઠા વિભાગ લોકોને બોલાવી KYC ની કામગીરી કરી રહ્યું છે.
હવે વડોદરા પછી રાજકોટની સ્થિતિની વાત કરીએ તો મહાનગર રાજકોટમાં તો આધાર કાર્ડ કઢાવવું જાણે માથાનો દુઃખાવો બની ગયું છે.આધારમાં અપડેટ કરાવવું હોય કે પછી જન્મ-મરણનો દાખલો લેવો હોય અને સમસ્યા સિવાય બીજુ કંઈ જ નથી મળી રહ્યું..આધાર કેન્દ્રો પર વહેલી સવારથી ૩૦૦થી વધુ લોકો લાઈનમાં લાગે છે. પણ નંબર માંડ ગણ્યાગાંઠ્યા લોકોને આવે છે.
કારણ કે અહીં પણ સરકારી સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે.લાંબી લાઈનો પણ સરકારી તંત્રને કોઈની પડી જ નથી.સરકારી વિભાગે લોકો માટે નતો પાણીની પણ વ્યવસ્થા કરી છે.અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાવાનું જાણે નક્કી જ છે.
મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તાર અને નાના જિલ્લામાં તો સ્થિતિ વધારે ખરાબ છે.ત્યારે બોટાદ જિલ્લામાં E-KYC કરાવવામાં લોકોને ભારે મુસિબત વેઠવી પડી રહી છે.તેની માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે. તેથી પહેલા લોકોને આધાર માટે લાઈનમાં લાગવું પડે છે…ત્યારબાદ રાશન કાર્ડમાં KYC માટે લાંબી લાઈન લગાવવી પડે છે.
ઉલ્લેખનીય છે કે ૩૦ નવેમ્બર KYC ની અંતિમ તારીખ હોવાથી લોકોના ધડેધડા ઉમટ્યા છે..પણ સરકારી તંત્ર પાસે આધારમાં અપડેટ કરી શકે તેટલી કીટો જ નથી…ત્યારે લોકોમાં ભારેભાર રોષ છે અને સિસ્ટમ સુધારવા લોકો તંત્રને સલાહ આપી રહ્યા છે. સરકાર અને સરકારી તંત્ર નિયમ તો ફટાફટ બનાવી દે છે અને તેને લાગુ પણ કરી દે છે પરંતુ હોશિયાર અધિકારીઓને એ ખબર નથી હોતી કે ઝડપથી લાગુ કરતાં ર્નિણયને પહોંચી કેવી રીતે વળાશે?…કારણ કે ક્યાંય પુરતી કીટ નથી તો ક્યાંય પુરતો સ્ટાફ ન હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જાેવું રહ્યું કે લોકોને આ મોટી હાડમારીમાંથી ક્યારે મુક્તિ મળે છે?