જામનગરમાં બસ સ્ટેન્ડમાં ખાતે ૨૦૦થી વધુ મુસાફરી પાસ નીકળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળી વેકેશન બાદ ફરી શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે. ત્યારે જામનગરના અનેક શાળા અને કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી આવી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે. ગામડામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ બસ મારફતે જામનગર આવતા હોય છે. જે કાયમી મુસાફરી માટેનો પાસ કઢાવતા હોય છે. આથી જામનગરમાં બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બસમાં કાયમી આવાગમન માટે વિદ્યાર્થીઓ બસના પાસ કઢાવવા માટે હાલ લાંબી લાઈનો લાગી રહી છે.
શાળા કોલેજ ખૂલતાની સાથેની હાલ દરરોજ ૨૦૦થી વધુ પાસ કઢાવવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. દિવાળી અગાઉ ૭૦ પાસ નીકળતા હતા તેના સ્થાને હવે ૨૦૦ પાસ નીકળી રહ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓના ઘસારાને ધ્યાનમાં લઈ બે સિફ્ટમાં પાસ બારી શરૂ કરવામાં આવી છે. સવારે ૭ વાગ્યાથી લઈ રાત્રે ૮ વાગ્યા સુધી પાસ નીકળશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ પાસ કઢાવી શકશે. આ ઉપરાંત વિક્ટોરિયા પુલ ખાતે પણ ડેપોમાં પાસ કાઢી આપવામાં આવે છે.
જામનગરમાં અનેક શાળા કોલેજ આવેલી હોવાથી જામનગરના જિલ્લાના મોટાભાગના વિદ્યાર્થીઓ દરરોજ અપડાઉન કરી અભ્યાસ સાથે આવતા હોય છે. હવે શાળામાં દિવાળી વેકેશન બાદ ફરીથી અભ્યાસને શ્રી ગણેશ થયા છે ત્યારે વિદ્યાર્થીઓ આવાગમન માટે મુસાફરી પાસ કઢાવતા હોય છે. પરિણામે જામનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જાેવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. ખાસ વાત એવી છે કે એસટી બસ સ્ટેન્ડમાં એક જ વિન્ડોમાં પાસ નીકળતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આથી વિદ્યાર્થીઓ શિક્ષણનો સમય બગાડીને પાસ કઢાવવા લાઈનમાં ઊભા રહેતા હોય તેવા દૃશ્યો સર્જાઈ છે.