ખેડૂતો ફરી એકવાર દિલ્હી કૂચ કરવાની તૈયારીમાં
સરકાર પર ર્નિભર છે કે ખેડૂતો પર બોમ્બ ફેંકીને મામલાને ખતમ કરવો કે બેઠક દ્વારા : ખેડૂતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો વધી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ૧૮ નવેમ્બરે ખેડૂતોની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો ૬ ડિસેમ્બરે દિલ્હી સુધી કૂચ કરશે. ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતો ૯ મહિનાથી શાંતિપૂર્વક બેઠા છે, પરંતુ સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ કારણોસર અમે દિલ્હી જવાનું નક્કી કર્યું છે. ખેડૂતો શંભુ બોર્ડરથી જ દિલ્હી જવા રવાના થશે. આ વખતે અમે અમારી સાથે ટ્રેક્ટર-ટ્રોલી નહીં લઈએ પરંતુ સમૂહમાં જઈશું.
આ સાથે પંઢેરે સરકાર પાસે પ્રદર્શન માટે જગ્યા આપવાની માંગ કરી છે. તેમણે મોદી સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે સરકાર પાસે ૬ ડિસેમ્બર સુધીનો સમય છે. તેમણે જણાવ્યું હતું કે અમે વિરોધ કરવા માટે સરકાર પાસે જંતર-મંતર અને રામલીલા ગ્રાઉન્ડ પર જગ્યા માંગી છે. અમને એક તક આપો જેથી અમે અમારો પક્ષ રજૂ કરી શકીએ અને સરકારે અમને વિરોધ કરવા માટે જગ્યા ફાળવવી જાેઈએ. હવે સરકાર પર ર્નિભર છે કે તેઓ ખેડૂતો પર બોમ્બ ફેંકીને મામલાને ખતમ કરવા માંગે છે કે બેઠક દ્વારા.