પ્રદર્શનકારોએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો તેમજ CRPF ના વાહનમાં તોડફોડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના કટરા શહેરમાં સ્થિત ત્રિકુટા પર્વતોની ટોચ પર વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરના ફૂટપાથ પર પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે ચાલી રહેલો વિરોધ હિંસક બન્યો હતો. દેખાવો કરતાં પ્રદર્શનકારો અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓએ દેખાવો દરમિયાન અચાનક સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો તેમજ CRPF ના એક વાહનની પણ તોડફોડ કરી હતી.
વિસ્તારના ASP પરમવીર સિંહે કહ્યું કે ‘છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા, પરંતુ કેટલાક પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. અહીં બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અમે સ્થિતિને કાબુમાં લઈ રહ્યા છીએ.’
દુકાનદારો અને કામદારોએ તેમની હડતાળના ત્રીજા દિવસે વિરોધ રેલી કાઢી હતી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ, કટરામાં શાલીમાર પાર્કની બહાર ધરણા કર્યા હતા, શાલીમાર પાર્ક મંદિરની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે આધાર શિબિર છે. દુકાનદારો અને અહીં કામ કરતાં મજૂરો અને પાલખીના માલિકો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસીય હડતાળ શુક્રવારથી શરૂ થઈ હતી.
દુકાનદારો અને મજૂરો અને પાલખી માલિકોની સંયુક્ત સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, “૭૨ કલાકની હડતાળ વધુ ૨૪ કલાક લંબાવવામાં આવી છે. અમે ફરીથી મળીશું અને અમારા ભાવિ પગલાંની જાહેરાત કરીશું.
છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યા હોવાથી કટરાના બેઝ કેમ્પમાં તમામ દુકાનો અને વ્યવસાયો ચાલુ રહ્યા હતા, જાે કે, વિરોધ રેલી દરમિયાન બાણ ગંગાથી ચરણ પાદુકા સુધીના યાત્રાધામ માર્ગ પરની દુકાનો બંધ રહી હતી. જાે કે, ટટ્ટુ અને પાલખી સેવાઓ સ્થગિત થવાથી યાત્રાળુઓ, ખાસ કરીને વૃદ્ધો અને અપંગો માટે યાત્રા મુશ્કેલ બની છે.
સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણ અને તેમની આજીવિકા પર નકારાત્મક અસર પડશે. તેઓએ દાવો કર્યો હતો કે રોપવે પ્રોજેક્ટ તેમને બેરોજગાર કરશે. અધિકારીઓ પર કોઈપણ પરામર્શ વિના રોપવે પ્રોજેક્ટના કામકાજ આગળ ધપાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રદર્શનકારીઓને રોજગાર આપવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે ‘વિભાગીય કમિશનરની આગેવાની હેઠળની સમિતિ રોપ-વે પ્રોજેક્ટ અને સ્થાનિક લોકોના પુનર્વસન પર ચર્ચા થઈ રહી છે. સ્થાનિક લોકોની વાસ્તવિક ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવશે, જાે કે, વિસ્તારના વિકાસની અવગણના કરવામાં આવશે નહીં.’
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે યાત્રાળુઓ માટે સલામત અને ઝડપી મુસાફરીની સુવિધા માટે રોપવે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટની વિગતો અનુસાર, તારાકોટ માર્ગથી સાંજી છટ વચ્ચેના ૧૨ કિલોમીટરના ટ્રેક પર રૂ. ૨૫૦ કરોડના ખર્ચે રોપ-વે વિકસાવવામાં આવશે. શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર, ‘રોપ-વે પ્રોજેક્ટ એક ગેમ ચેન્જર હશે, ખાસ કરીને તીર્થયાત્રીઓ માટે કે જેમને મંદિર સુધીની લાંબી મુસાફરી પડકારરૂપ લાગે છે.’