Last Updated on by Sampurna Samachar
ફરાર મુખ્ય સૂત્રધાર સહિત ચારની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ નજીક શૈક્ષણિક નગરી વિદ્યાનગરના રૂદ્રાક્ષ કોર્નર પાસે ૧૩ દિવસ અગાઉ મોડી રાત્રે બર્થડે નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડી છરી વડે કેક કાપવાની ઘટનામાં ફરાર મુખ્ય સૂત્રધાર સહિત ચારને વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વિદ્યાનગરના ઇસ્કોન મંદિર પાછળ આવેલી બંસીપાર્ક સોસાયટીમાં રહેતા રોહિત ભરતભાઈ બામ્બાની બર્થડે હોવાથી ગત તારીખ ૬નવેમ્બરના રોજ તેના મિત્રો વિદ્યાનગરના રૂદ્રાક્ષ કોર્નર પાસે એકત્ર થયા હતા. અને બે જેટલા ટેબલ પર ૧૦થી વધુ કેક ગોઠવીને તેને રોહિત બામ્બાએ છરી વડે કાપી હતી. ત્યાર બાદ ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી.
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વિદ્યાનગર પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી જે તે સમયે વિડીયો ફૂટેજમાં દેખાતા ચારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રોહિત ભરતભાઈ બામ્બા, હરીશ પરષોત્તમભાઈ પરમાર, રાહુલ હકુભાઇ બામ્બા અને સીમાભાઈ મધુભાઈ ભરવાડ ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી ફરાર ચારને ઝડપી પાડી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.