મહિલાની હત્યા કે આત્મહત્યા ? તે અંગે જરોદ પોલીસે તપાસ શરુ કરી
છેલ્લા એક વર્ષથી મહિલા સાથે તેનો મિત્ર રહેતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા બારોટ ફળિયામાં એક બંધ મકાનમાંથી મહિલાની દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસોજ ગામે રહેતા જનકભાઈ પટેલના બારોટ ફળિયામાં છ જેટલા રૂમ આવેલા છે અને તેમના દ્વારા આ રૂમ ભાડે આપવામાં આવે છે. ત્યારે રૂમ નંબર એક કે જ્યાં એક મહિલા અને પુરુષ રહેતા હતા ત્યાંથી રૂમમાં ભાડે મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
ભાડે આપેલી રૂમ નંબર એકમાં છેલ્લા એક વર્ષથી બળવંત પટેલ નામનો શખ્સ ૪૦ વર્ષીય સુમિત્રા બહેન સાથે રહેતો હતો. ગત રોજ જનક ભાઈ પટેલના મોબાઈલ પર તેમના જ એક સબંધીનો ફોન આવ્યો હતો કે, તમે ભાડે આપેલી રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. જેથી જનકભાઈ અને તેમનો પુત્ર રૂમ ખાતે આવી પહોંચ્યા હતા. એક નંબરની રૂમ પાસે જઈ તપાસ કરતા રૂમનો દરવાજો અંદરથી બંધ જણાઈ આવ્યો હતો જેથી ફળિયામાં રહેતા અન્ય લોકોની મદદથી રૂમ ખોલ્યો હતો. રૂમ ખોલતાની સાથે જ ત્યાં હાજર બધા ચોંકી ઉઠ્યા હતા કારણ કે એક નંબરની રૂમમાં ભાડેથી રહેતા ૪૦ વર્ષીય સુમિત્રા બહેનનો કોહવાઈ ગયેલો મૃતદેહ ત્યાં પડ્યો હતો અને મૃતદેહ પર ધાબળો ઓઢાડેલો હતો. જેથી કંઈક અજુગતું થયું હોવાની ગંધ આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જરોદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જરોદ પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બારોટ ફળિયામાં ભાડેથી આપેલી રૂમ નંબર એકમાં ૪૦ વર્ષીય મહિલા તેમના પુરુષ મિત્ર બળવંત પટેલ સાથે છેલ્લા એક વર્ષથી રહેતા હતા અને છેલ્લા બે દિવસથી તેમની રૂમનો દરવાજો બંધ હાલતમાં જ હતો. બળવંત કોઈ કામધંધો કરતો ન હતો અને સુમિત્રા બહેન એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પંચમહાલ જિલ્લાના સુરેલી ગામના વતની સુમિત્રા બહેનના દસ વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. છૂટાછેડાના થોડા સમય બાદ મૃતક સુમિત્રા બહેન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રૂસુલપુર ગામે રહેતા બળવંત પટેલના સંપર્કમાં આવ્યા હતા અને બંને સાથે હરતા ફરતા હોવાથી સુમિત્રા બહેનના પરિવારે તેમની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુમિત્રા બહેન સાથે રહેતા બળવંત પટેલનો છેલ્લા ઘણા દિવસથી કોઈ અતોપતો નથી. જેથી પોલીસને સુમિત્રા બહેનની હત્યા કરી દેવામાં આવી હોય તેવી શંકા છે. શું ખરેખર સુમિત્રા બહેનની હત્યા કરાઈ છે? આત્મહત્યા છે કે પછી કુદરતી મોત? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો સાથે જ હાલ ફરાર થઈ ગયેલા બળવંત પટેલની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફરાર બળવંત પટેલ પોલીસના હાથે લાગ્યા બાદ જ તમામ હકીકત સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે