હાડપિંજર ૧૪થી ૨૦ વર્ષની છોકરીનું હોવાની પ્રાથમિક માહિતી
હવે ફક્ત FSL વડે હાડપિંજરની ઓળખ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના ખુલ્લા પ્લોટમાંથી હાડપિંજર મળી આવતા પોલીસ દોડતી થઈ છે. ફોરેન્સિક PM માં આ હાડપિંજર ૧૪થી ૨૦ વર્ષની છોકરીનું હોવાનું બહાર આવ્યું છે. વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો ત્યાં બીજો પડકાર આવીને ઊભો રહ્યો છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાં માનવકંકાલ મળ્યું હતું. ક્રિકેટ રમતાં બાળકોનો બોલ ખુલ્લા ઝાડીઝાંખરાવાળા પ્લોટમાં જતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમમાં કોઈ યુવતીનું હાડપિંજર હોવાનું ખૂલ્યું છે.
હવે પોલીસ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ગુમ થયેલી આસપાસના જિલ્લાની દીકરીની વિગત મેળવી રહી છે. ગુમ દીકરીઓના પરિવારને શોધીને રીપોર્ટના આધારે ઓળખ મેળવવા પ્રયાસ કરાશે.વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડીઝાંખરાવાળા પ્લોટ છે. અહીં સ્થાનિક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે એક હ્યુમન બોડીનું હાડપિંજર મળી આવ્યું હતું. જેમાં માનવ શરીરનાં અંગો જેવાં કે, માનવ ખોપડી, પાંસળીના ભાગો, પગનાં હાડકાંના ભાગો, હાથનાં હાડકાંના ભાગો, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા.
આ હ્યુમન બોડીનાં અંગો સંપૂર્ણપણે હાડકાંના સ્વરૂપમાં હતાં. જેથી આ બોડી કોની છે, તે ઓળખી શકાયું નથી.આ બનાવવાળી જગ્યાએથી એક મરૂન કલરનો બે બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો. આ માનવ હાડપિંજરનું સુરતના ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમ કરતાં ડોક્ટરે જણાવ્યું કે, આ હ્યુમન બોડી આશરે ૧૪થી ૨૦ વર્ષીય છોકરીની છે. તેમજ તેનું અંદાજે ૩ માસ પહેલાં મૃત્યુ થયું હતું.૩ મહિના પહેલાં ગુમ હોય અને મરૂન કલરના કુર્તાવાળી આશરે ૧૪થી ૨૦ વર્ષની કોઈ છોકરી ગુમ થઈ હોય તો તે અંગે તેમજ તેના વાલીવારસો વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકે અથવા તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે.વલસાડ સિટી પોલીસની ટીમ આજુબાજુમાં આવેલી કોલેજ છાત્રાલય, હોસ્ટેલમાં ૩ માસ પહેલાં મિસિંગ યુવતીઓ કે કિશોરીની વિગત મેળવી રહી છે. વલસાડ સિટી પોલીસ સુરત રેન્જમાં આવતાં ૫ જિલ્લાઓનાં તમામ પોલીસ મથકમાં ૩ માસ પહેલાં ૧૪થી ૨૦ વર્ષની કિશોરી કે યુવતી મિસિંગ હોય તેની વિગત મેળવી રહી છે. જે બાળકી કે યુવતી મિસિંગ છે, તેનાં કપડાં કે અન્ય વસ્તુઓમાંથી સેમ્પલ મેચ કરવામાં આવશે. હવે ફક્ત FSL વડે હાડપિંજરની ઓળખ કરવામાં આવશે.