તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દિલીપ જોશી અને આસિત મોદી આમને સામને
બંને વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોનો ફેવરિટ ટીવી શો છે. આ શો છેલ્લા એક દાયકાથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે, જે પાત્ર શોનું મેઈન કેરેક્ટર છે અને લોકોનું પણ ફેવરીટ છે, આ દરમિયાન દિલીપ જોશી અને શો નિર્માતા આસિત મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો.
આ ઘટના ઓગસ્ટની શરૂઆતમાં બની હતી. સેટ પર રજાને લઈને દિલીપ અને અસિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સૂત્રએ જણાવ્યું કે દિલીપે અસિત સાથે થોડા દિવસની રજા માટે વાત કરી, પરંતુ નિર્માતાએ તેની અવગણના કરી. જેના કારણે દિલીપ જોશી ગુસ્સે થઈ ગયા હતા. બંને વચ્ચે ઝપાઝપી પણ થવાની હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના નિર્માણ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું, ‘કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપ જી રાહ જોઈ રહ્યા હતા કે અસિત ભાઈ આવે અને તેમની સાથે રજાઓ વિશે વાત કરે. પણ અસિત ભાઈ આવતાં જ તેઓ સીધા કુશને મળવા ગયા. દિલીપજીને આ વાત ગમી નહીં.’
સૂત્રે વધુમાં કહ્યું કે, ‘અસિત મોદીના આ વર્તનથી દિલીપજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. દિલીપજીએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો અને શો છોડી દેવાની ધમકી પણ આપી. જોકે, અસિતભાઈએ તેમને શાંત પાડ્યા હતા. અમને ખબર નથી કે બંનેએ તેમના મતભેદોને કેવી રીતે ઉકેલ્યા.’