સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિ દરમિયાન એકટીવા પર ત્રણ યુવકો ગફલત ભરી રીતે એકટીવાને હંકારી રહ્યા હોય આ દ્રશ્યો પાછળથી આવતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યા છે.
શહેરમાં ઘણી વખત રીક્ષા, વાહન, બાઈક, મોપેડ પર લોકો સ્ટંટ કરવા સાથે જોખમી સવારી કરતા હોવાના અનેક વિડિયો વાયરલ થયા છે. જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી પણ કરી હતી. જોકે આ કાર્યવાહી બાદમાં ઠપ થઈ જતા આજે પણ આવી જોખમી સવારીના વિડીયો સામે આવી રહ્યા છે.
વાયરલ થયેલા વિડીયો આધારે શહેરના વુડા સર્કલ તરફ જતા માર્ગ ઉપર એકટીવા પર ત્રણ યુવકો સવાર થઈ ચાલક ખૂબ જ ગફલત ભરી રીતે એકટીવાને હંકારી રહ્યો હોય પાછળથી આવતા એક અન્ય વાહન ચાલકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. બીજી તરફ એકટીવા ચાલક ત્રણ સવારી ગફલત ભરી રીતે ચલાવતા પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં પણ અકસ્માતની ભીતિ સેવાઈ હતી. ન્યુ વીઆઇપી રોડ ઉપરથી વુડા સર્કલ તરફ જતા રોડ પરનો આ વિડિયો છે. જેમાં એકટીવા પર સવાર ત્રણ યુવકો બેખોફ રાત્રી દરમિયાન એક્ટિવા હંકારી રહેલા નજરે પડ્યા હતા. જો કોઈ અકસ્માતની ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તેવા પણ સવાલો આ વિડીયો વાયરલ થયા બાદ ઉઠવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, એલએન્ડટી સર્કલ પાસેથી દર રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે.