Last Updated on by Sampurna Samachar
પત્ની રિસામણે જતાં યુવકે આ પગલું ભર્યું હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં ૫ જ મહિનાના લગ્ન જીવનનો કરૂણ અંજામ સામે આવ્યો છે. વાસ્તવમાં ૫ મહિના પહેલા જ જેણે લગ્ન જીવન શરૂ કર્યું તે યુવકે અચાનક ઝેરી દવા પી જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈ મૃતકના પરિજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ પ્રાથમિક વિગતો મુજબ યુવકે ઘર કંકાસમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે પત્ની રિસામણે જતાં યુવકે આ પગલું ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટમાં ૫ મહિના પહેલા જ લગ્ન કરેલ યુવાનના આપઘાત મામલે મૃતક મયુર ચુડાસમાના પિતાનું નિવેદન સામે આવ્યું છે. મૃતક મયુર ચુડાસમાના પિતાએ કહ્યું છે કે, મારા છોકરાએ અભ્યાસ કર્યો હતો, તેમજ મારા ડ્રાઇવિંગના ધંધા માટે મદદ કરતો હતો. તે બંને પતિ-પત્ની વચ્ચે કોઈ બનાવ બન્યો હોય તેની અમને જાણ નથી. જ્યારે મારા પુત્રની ઘરવાળીને સારા દિવસો હતા અને તે માવતર ગઈ હતી, એવામાં મયુરે ઘરે દવા પીને આપઘાત કરી લીધો હતો.
આ સાથે પરિજનોના મત મુજબ ઘર કંકાસ હતો તેના કારણે પુત્ર એ આપઘાત કરી લીધો છે. આ સાથે પરિજનોનું કહેવું છે કે, આપઘાત કરતા પહેલા પુત્રએ તેના મિત્રએ અમને કોઈપણ પ્રકારની વાત કરી નહોતી અને અચાનક તેને આપઘાત કરી લીધો છે. ચાર બહેનોના એકના એક ભાઈએ આપઘાત કરી લેતા મૃતક મયુર ચુડાસમાના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ ઘટનાને લઈ રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.