મહારાષ્ટ્ર સરકાર પર કર્યા કટાક્ષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે. રાજ્યમાં ૨૦ નવેમ્બરના રોજ મતદાન થશે અને ૨૩ નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. જ્યાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં તેમણે અદાણી અને PM મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ રાજ્યની મહાયુતિ તથા કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું, કે ‘મહારાષ્ટ્રની વર્તમાન સરકારે ફોક્સકોન, એરબસ જેવા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવીને ગુજરાત ટ્રાન્સફર કર્યા. જેના કારણે મહારાષ્ટ્રના લોકોની નોકરી છીનવાઈ ગઈ છે.’
રાહુલ ગાંધીએ આ દરમિયાન અદાણી અને PM મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, ‘PM મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, એક હૈ તો સૈફ હૈ. તેમના આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે.’ આટલું બોલીને તેમણે PM મોદી અને અદાણીનું પોસ્ટર બતાવ્યું હતું. આમ ફરી એક વખત કોંગ્રેસે વડાપ્રધાન મોદીના ‘હમ એક હૈ, તો સેફ હૈ’ નિવેદનને યાદ કરી ભાજપને આડે હાથ લીધી હતી.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે પણ રાહુલ ગાંધીએ વડાપ્રદાન મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, ‘ભાજપ મુંબઈમાં ધારાવીની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે. આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે. ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બધું માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે.’ધારાવીના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારી પાસે ધારાવીના વિકાસને લઈને યોજના છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા પર પ્લાન નહીં બનાવીએ. અહીં પૂરનો મુદ્દો પણ છે. આપણે તેના પર પણ કામ કરવાનું છે.’