સુરતમાં પોલીસના કોમ્બિંગમાં ૧૩ હથિયારો જપ્ત કરાયા
ત્રણથી વધુ ગુનામાં સામેલ ૩૫ જેટલા ઈસમોની અટકાયત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ એકશન મોડમાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. સુરત પોલીસ દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યુ છે. ભેસ્તાન બાદ અમરોલી વિસ્તારમાં પણ પોલીસે વિશેષ કોમ્બિંગ કર્યું છે.પોલીસે અનેક ટીમો બનાવી ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે તપાસ કરી છે. આરોપીઓ હાલ શું કરી રહ્યાં છે. ઘરમાં હાજર છે કે નહીં તે અંગે પણ સર્ચ કરાયું છે.
કોસાડ આવાસ, છાપરાભાઠા, વરિયાવ ઉતરાણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યુ છે. ત્રણથી વધુ ગુનામાં સામેલ ૩૫ જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના કોમ્બિંગમાં ૧૩ હથિયારો જપ્ત કરાયા છે.પોલીસના કોમ્બિંગમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. તેમજ જુદા-જુદા વિસ્તારમાં નશામાં ધૂત ૫ લોકો સામે કાર્યવાહી કરાઈ છે. તડીપાર થયેલા ત્રણ ઈસમ નાસતા ફરતા હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે.