શહેરની ૧૮૫ જેટલી દુકાનોમાં દરોડાની કામગીરી કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના રજુ કરતા જ પૂરવઠાતંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યુ છે. આ પ્રકરણની તપાસ માટે ગાંધીનગરથી પૂરવઠા ખાતાની ટીમ રાજકોટ દોડી આવી હતી અને સડેલું અનાજ કયાંથી આવ્યુ તેની તપાસ શરૂ કરી હતી
ગાંધીનગરથી દોડી આવેલી પૂરવઠા વિભાગની ટીમે જિલ્લા પૂરવઠા અધિકારી સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શહેરની સસ્તા અનાજની દૂકાનોમાં ચેકિંગ શરૂ કર્યુ છે. જોકે, આ સડેલુ અનાજ ગોડાઉનમાંથી જ આવ્યુ હોવાનું માનવામાં આવે છે.
ગાંધીનગરથી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ર્નિમલ પટેલ સહીતની અધિકારીની ટીમો રાજકોટમાં ધામા નાખ્યા હતા. રાજકોટ પુરવઠા અધિકારી સાથે બેઠક કર્યા બાદ રાજકોટ શહેરની ૧૮૫ જેટલી દુકાનોની લિસ્ટ લઇ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી શહેરની અલગ-અલગ સસ્તા અનાજની દુકાનોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ દુકાનોમાંથી અનાજના નમુના પણ લેવામાં આવ્યા હતા. ભગવતીપરાની છ દુકાનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પૂરવઠા વિભાગના અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર જથ્થો આવ્યા બાદ પહેલા ગાંધીનગર ખાતે લેબોટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જ ગોડાઉનમાં જથ્થો સ્ટોર કરવામાં આવે છે.
ગોડાઉનમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા જથ્થાની તપાસ હાથ ધરવામાં આવે છે. અને ત્યારબાદ જ દુકાનદારોને જથ્થામાં વિતરણ કરવામાં આવે છે. જથ્થો શંકાસ્પદ દેખાય તો ગાંધીનગરથી રિજકેટ કરવામાં આવે છે. પરંતુ નબળી ગુણવત્તાનો જથ્થો ક્યાંથી આવ્યો છે? તે તપાસનો વિષય છે. પૂરવઠાની ટીમ પણ તપાસ કરી રહી છે.