બંને જૂથ વચ્ચે સમાધાન પણ થઈ ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના જામનગર રોડ પર આવેલી સન્નીપાજી દા ધાબા નામની હોટલે મોડીરાત્રે જમવાના પૈસા લેવા બાબતે રાજકોટના ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા તથા ધાબા સંચાલકના જૂથો વચ્ચે મારામારી અને તોડફોડની ઘટના બની હતી. મોડીરાત્રે ડખો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સવારે બંને જૂથ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.
મળતી વિગતો મુજબ રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્ર્વર પાસે આવેલ સન્નીપાજી દા ધાબા નામની હોટલ પર સન્ની પાજી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર હુમલો થયાની વાત વહેતી થઈ હતી. મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલરૂમમાં સન્નીપાજી તરફથી ફોન આવ્યો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસે સન્નીપાજી ઉર્ફે અમનવીરસિંગને નિવેદન માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો છે.
સન્નીપાજીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે, હોટલે ત્રણ વ્યક્તિ જમવા આવ્યા હતા. તેનું બીલ લેવામાં આવ્યું હતું. વિજય ગઢવી નામના વ્યક્તિએ ફોન કરીને આ ત્રણ વ્યક્તિનું બીલ નહીં લેવા જણાવ્યું હતું. જોકે, જમવા આવેલા ત્રણેય બીલ દઈને નીકળી ગયા હતા. જે બાબતે વિજય ગઢવીને વાત કરી હતી. ત્યારબાદ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાનો ફોન આવ્યો હતો અને નરેન્દ્રસિંહ તથા રવિરાજસિંહ, હરદિપસિંહ, વિશ્ર્વરાજસિંહ ઉર્ફે કાનો અને વિજય ગઢવી સહિતના શખ્સો ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરતા વાત વણસી હતી. જે અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસની ગાડી આવી હતી.
આ મામલે ડેપ્યૂટી મેયરે નરેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ પ્રકારની કોઈ ઘટના બની નથી. અમારે કોઈ ફરિયાદ નોંધાવવી નથી.બંને ભાઈઓ હાલ અમદાવાદ પ્રસંગમાં હોવાથી આ બાબતે સોશિયલ મીડિયા મારફતે ઓફિશિયલ રદિયો પણ આપ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવા ઉપર ધ્યાન નહીં આપવા જણાવવામાં આવ્યું છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કરપડાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બન્ને પક્ષમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી.