૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુક્રેન વિરુદ્ધ જંગ બાદ પુતિન અત્યાર સુધીમાં બસ એક જ દેશ મંગોલિયાની યાત્રા કરી છે.
ત્યારે આવા સમયે ભારતની તેમની આ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રુસી સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા અનુસાર, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “પુતિનની ભારત યાત્રાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”
પેસકોવે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, “મને આશા છે કે અમે ટૂંક સમયમાં તેમની યાત્રાની તારીખ નક્કી કરી લઈશું, ચોક્કસપણે પ્રધાનમંત્રી મોદીની રશિયાની બે યાત્રાઓ બાદ, હવે રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા થઈ રહી છે, એટલા માટે અમે તેની રાહ જાેઈ રહ્યા છીએ.”૨૦૨૨માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હશે.
છેલ્લે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ નવી દિલ્હીમાં ભારતીય પ્રધાનમંત્રી મોદી સાથે ૨૧માં ભારત-રુસ વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં આવ્યા હતા. PM મોદીએ આ વર્ષે જુલાઈમાં મોસ્કોની મુલાકાત લીધી હતી, જે ૨૦૨૪માં દેશની તેમની પહેલી યાત્રા હતી. આ યાત્રા ૨૨માં ભારત-રુસ વાર્ષિક શિખર સંમેલન માટે થઈ હતી.